પાટણ : રાજ્યભરમાં મકરસંક્રાંતિનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. પાટણ શહેર સહિત જિલ્લામાં પતંગ રસિયાઓએ મન ભરીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. ત્યારે આપણી મજા નિર્દોષ પક્ષીઓ માટે મોતની સજા બનતી હોય છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કુલ 79 પક્ષીઓ ઘવાયા હતા. જેમાંથી 18 પક્ષીઓના કરુણ મોત થયા હતા. જોકે ગત વર્ષની સરખામણીએ આ વખતે પક્ષીઓના મોતમાં ઘટાડો નોંધાતા પક્ષીપ્રેમી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
કરુણા અભિયાન : સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ રસિયાઓના ધારદાર માંજાથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પાટણ વનવિભાગ કચેરી ખાતે પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, 1962 એમ્બ્યુલન્સ વાન, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા પતંગની દોરીથી ઇજા પામેલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.
અબોલને મળ્યું જીવનદાન : આ અંતર્ગત તારીખ 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી દરમિયાન કબૂતર, કાંકણસાર, સમડી, બાજ, પોપટ, બગલો મળી કુલ 79 પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતા. ઘાયલ પક્ષીઓની વનવિભાગ કચેરીના વેટરનીટી ડોકટરો દ્વારા સારવાર કરવામાં આવી હતી. પતંગની ઘાતક દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ પૈકી 18 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા હતા, જ્યારે 61 પક્ષી સારવાર હેઠળ છે.
પાટણ પોઝિટિવ ન્યૂઝ : અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 60 પક્ષીઓના મોત થયા હતા. સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા ઉતરાયણ પર્વ પહેલા જનજાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તેના ફળ સ્વરૂપ ચાલુ વર્ષે લોકોમાં આવેલી પક્ષીઓ પ્રત્યેની કરુણાના કારણે ઘાયલ પક્ષીઓની સંખ્યામાં તેમજ પક્ષીઓના મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. જીવદયા પ્રેમીઓ દ્વારા પતંગની ધારદાર દોરીથી ઘાયલ થઈ મૃત્યુ પામેલા 18 પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢી વિધિવત રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી.