પાટણઃ રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા પરીક્ષા કેન્દ્ર પર સવારથી ઉમેદવારો પહોંચવાના શરૂ થયા હતા. જોકે, પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં પણ પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વખતે તેઓની પરીક્ષા રદ્દ નહીં થાય એવી આશા ઉમેદવારોએ રાખી હતી.
આ પણ વાંચોઃ Junior Clerk Exam 2023: આજે જુનિયર કલાર્કની પરીક્ષા ઉમેદવાર પહોંચ્યા પરીક્ષા કેન્દ્ર
95 પરીક્ષા કેન્દ્રઃ પાટણ શહેરમાં શહીદ જિલ્લાના 95 પરીક્ષા કેન્દ્રો ઉપર 31,740 ઉમેદવારો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરાયું છે. બીજી તરફ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાવવામાં આવ્યા છે.
ઉમેદવારોનો ધસારોઃ વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર સવારથી જ ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ફરજ પરના પોલીસ કર્મચારીઓએ ઉમેદવારોને ચેક કરીને પરીક્ષા કેન્દ્રોમાં સમયસર પ્રવેશ આપ્યો હતો. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સમયસર પેપર પહોંચે તે માટે વહીવટી તંત્ર દ્વારા 32 રૂટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પેપર લઈ જવા માટે ઉપયોગમાં રૂટ સુપરવાઇઝર આસિસ્ટન્ટ રૂટ સુપરવાઇઝર હથિયારધારી પોલીસ કર્મચારી વીડિયો કેમેરામેન સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર પેપર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Junior Clerk Exam 2023: આજે 3000થી વધુ કેન્દ્ર પર જુનિયર ક્લાર્કની પરીક્ષા
અનેરો ઉત્સાહઃ પરીક્ષા આપવા માટે આવેલ ઉમેદવારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો સરકાર દ્વારા પરીક્ષાનું જે રીતે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે અને પરીક્ષાની તમામ જવાબદારી હસમુખ પટેલ જેવા અધિકારીને સોંપવામાં આવી છે જેથી પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોમાં પણ એક હકારાત્મક ભાવ જોવા મળ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે હસમુખ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર પરીક્ષામાં પેપર ફૂટવાને કોઈ અવકાશ નથી.
જવાબદારી સોંપાઈ હતીઃ રાજ્યમાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાંગો પાંગ અને શાંતિપૂર્ણ રીતે લેવાય તે માટે અને ફરી પેપર ન ફૂટે તેની તકેદારી રાખવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સ્થાને આઈપીએસ હસમુખ પટેલની નિમણૂક કરી તેઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓની દેખરેખ હેઠળ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવા જઈ રહી છે.