- સમી હાઈવે પર ત્રણ અજાણ્યા ઈસમોએ ચલાવી હતી લૂંટ
- યુવાનને ડરાવી ધમકાવી મોબાઈલની લૂંટ કરી આરોપીઓ થયાં હતાં ફરાર
- પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યાં
સમીઃ શહેરના ગૂર્જરવાડા ગામે રહેતા પ્રિયંકકુમાર ભરતકુમાર દવે નામનો યુવક બુધવારે રાત્રે જમીને પોતાનો મોબાઇલ ફોન લઈ મિત્ર સાથે વાત કરતા કરતાં સમી બાજુના રોડ તરફ અડધો કિલોમીટર દૂર પહોંચ્યો હતો. ત્યારે એક બાઇક ઉપર સવાર થઈ આવેલાં ત્રણ અજાણ્યા શખ્સોએ તેને થોભાવી મોબાઇલ આપી દેવાનું કહેતાં તેણે ઇન્કાર કર્યો હતો. જેથી ઉપરોક્ત ઈસમોએ છરો બતાવી ડરાવી ધમકાવી તેમજ ધક્કો મારી પાડી દઈ મોબાઇલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં.
- આરોપીઓ પાસેથી વાંધાજનક વસ્તુઓ, હથિયાર મળ્યાં
આ અંગે સમી પોલીસમાં જાણ કરવામાં આવતા અને પાટણ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ પણ ગુનાની ગંભીરતા જોઈ આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપતા સમી પો. સ. ઈ. વાય.બી. બારોટ અને સ્ટાફનાં માણસોએ જુદી-જુદી ટીમ બનાવી તપાસમાં લાગ્યાં હતાં. ત્યારે બાતમી મળી હતી કે, ઉપરોક્ત ત્રણેય ગુનેગારો સમીમાં છુપાયાં છે અને મોકો મળતા રાધનપુર તરફ જવાનાં છે. ત્યારે પોલીસે આં શખ્સો ભાગે તે પહેલાં જ પકડી લીધાં હતાં અને લૂંટ ચલાવેલો મોબાઇલ, અન્ય ત્રણ મોબાઇલ ફોન, બાઈક, હાથમાં પહેરવાના પંચ, મરચાંની ભૂકીની પડીકી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા પઠાણ નાસિરખાન મેરાબખાન રહે થરા, પઠાણ ઈદરિશ ઉફેઁ લાલો કેશરખાન હાલ રહે સમી અને સિપાહી ઇમ્તિયાઝ લાલખાન રહે થરાવાળા હોવાનું ખુલ્યુૂ છે. આ લૂંટારા જો પકડાયા ન હોત તો ભવિષ્યમાં અનેક ગુનાઓને અંજામ આપે તેવી પોલીસે શક્યતાઓ વ્યક્ત કરી છે.