પાટણ શહેરના રાણીની વાવ રોડ પર આવેલા અતિ પ્રાચીન નગર દેવી શ્રી મહાકાળી માતાનુ મંદિર આવેલું છે. આ મંદિર સરકાર હસ્તકનું છે. ત્યારે આ મંદિરના વિકાસ માટે રૂપિયા 5 કરોડ મંજૂર કરાયા છે. તેમજ આગામી દિવસોમાં વિકાસ કાર્ય હાથ ધરવામાં આવનાર છે. ત્યારે મંદિરના કોટ પાસેની સરકારી જમીન પર ઘણા વર્ષોથી દબાણો કરી રહેતાં પરિવારોને વહીવટી તંત્ર દ્વારા એક મહિના પહેલા નોટિસ આપી મંદિરની જમીન ખાલી કરવા સૂચના આપી હતી.
આમ છતાં જમીન ખાલી ન કરાતા પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્રના અધિકારીઓ પહોંચ્યા હતા. ત્યારે પરિવારોએ ઘર ન તોડવાની વિનંતી કરી 24 કલાકમાં સ્વેચ્છાએ જમીન ખાલી કરવાની ખાત્રી આપી હતી. ત્યારે તંત્રએ 48 કલાકનો સમય આપ્યો હતો. ત્યારે સવારથી જ તમામ પરિવારો આંખોમાં આંસુ અને વેદના સાથે પોતાના આશિયાના સમાન મકાનો તોડવા લાગ્યા હતા.
મહાકાળી માતાજીના પ્રાચીન મંદિર સંકુલનો વિકાસ કરવા તેની આસપાસના ઝૂંપડાઓના દબાણો હટાવી તેમને માનવતાની ભાવનાથી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સરકારી યોજના તળે આ પરિવારોને બકરાતપુરામાં પ્લોટ ફાળવવામાં આવ્યાં છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમનાં મકાનો પણ મંજૂર કરાયા છે. આ મંદિરનો ઐતિહાસિક લુક, દરવાજો અને કિલ્લો જળવાઈ રહે તે માટેની કામગીરી કરવામાં આવશે. તે ઉપરાંત મંદિરનો ગર્ભગૃહ ,હોલ,યજ્ઞશાળા બનાવવામાં આવશે.