- હાંશાપુર પંપિંગ સ્ટેશન મુદ્દે ચીફ ઓફિસરે યોજી પત્રકાર પરિષદ
- સરકાર સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિકાલ કરાશે
- પંપિંગ સ્ટેશનનું કામ GDRCના નિયમો વિરુદ્ધ થયું હોવાની કરી હતી બિલ્ડરે અરજી
પાટણ: વિવાદાસ્પદ હાંસાપુર પંપિંગ સ્ટેશન મામલે નગરપાલિકા ખાતે બુધવારે ચીફ ઓફિસરે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, આ પંપિંગ સ્ટેશન કોઈપણ ભોગે બંધ કરવામાં નહીં આવે કે તોડવામાં પણ નહીં આવે સરકાર સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે.
નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે
શહેરના વિવાદાસ્પદ હાંસાપુર પંપિંગ સ્ટેશન તોડવા મામલે વાતો થઇ રહી છે, ત્યારે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ નગરપાલિકા ખાતે પત્રકાર પરિષદ બોલાવી જણાવ્યું હતું કે, આ પંપિંગ સ્ટેશનના મામલે બિલ્ડર હિતેશ ઠક્કરે GDCRના નિયમોનું ઉલ્લંઘન કરી બનાવવામાં આવ્યું હોવાની GUDCમાં રજૂઆત કરતાં પ્રાદેશિક કમિશનર, ગાંધીનગર દ્વારા તપાસના આદેશો કરતા પાટણ નગરપાલિકામાં નિયુક્ત નગર નિયોજકે ફાઈલોના કાગળો તથા સ્થળ નિરીક્ષણ કરી અહેવાલ ગાંધીનગર મોકલ્યો હતો. પંપિંગ સ્ટેશનનું કામ ચીફ ઓફિસરની નિમણૂક પહેલા પૂર્ણ થયું હતું અને ત્યાર બાદ નવા ચીફ ઓફિસરના સમયમાં આ વિસ્તારના લોકોને કનેક્શનનો આપવામાં આવ્યા છે. જેથી પંપિંગ સ્ટેશન બંધ કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. આ સાથે નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી પણ કરવામાં આવશે નહીં, તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી.