પાટણ/ સિદ્ધપુરઃ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજયના 7 જેટલા ચીફઓની બદલી કરવામાં આવી છે. જેમાં પાટણ જીલ્લાના ચાણસ્મા અને સિધ્ધપુરના ચીફ ઓફિસરોની પણ બદલીઓ કરવામાં આવી છે. સિધ્ધપુર નગરપાલિકામાં ચીફ ઓફીસર તરીકે ફરજ બજાવતા સંજય એચ.પટેલને ચાણસ્મા ખાતે મુકવામાં આવ્યા છે. જયારે ચાણસ્માના ચીફ ઓફીસર જીતેન્દ્ર એલ.પટેલને સિધ્ધપુરના નવા ચીફ ઓફીસર તરીકે નિમણુંક આપવામાં આવી છે.
મોટી બદલીઃ સિધ્ધપુર શહેરમાં બે મહિના પહેલા સિંધી સમાજની યુવતી લવીનાના મૃત દેહના અંગો પીવાની પાણીની પાઇપલાઇન માંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી હતી. આ ઘટનાને લઈને યુવતીના મોત અંગે અનેક વિતર્કો વહેતા થયા હતા. પાટણના સિદ્ધપુરમાં અગાઉ યુવતીના મૃતદેહને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા.
અનેક પ્રશ્નો ઊઠ્યાઃ સિદ્ધપુર નગરજનો એ પણ ચીફ ઓફિસરની ભૂમિકા સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેને લઈને આજે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચીફ ઓફિસરોની બદલીમાં સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસરની ચાણસ્મા ખાતે બદલી થઈ છે. સિધ્ધપુરમાં લવિના નામની યુવતીએ પીવાના પાણીની ટાંકીમાં ઝંપલાવી મોતને વહાલુ કર્યું હતું. 15 દિવસ સુધી સિદ્ધપુરમાં આ મુદ્દો ગાજતો રહ્યો હતો. સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે લોકોમાં રોષ ફેલાયો હતો.જે રોશને શાંત પાડવા ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી હોવાનો મુદ્દો સિદ્ધપુરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.