પાટણઃ નગરપાલિકાના પક્ષના નેતા અને કોર્પોરેટર મનોજ પટેલ કોરોના સંક્રમિત ભારતીય સોસાયટીમાં પાલિકાનું મીની ફાઈટર લઇ સેનેટાઈઝરનો છંટકાવ કરવા ગયા હતા, જે કામગીરી પૂર્ણ કરી બગવાડા દરવાજા પાસે આવી પોતાની કાર અને નગરપાલિકાનું ફાયર ફાઈટર પાર્ક કરાવ્યું હતું. આ બંને વાહનો ટ્રાફિકને નડતરરૂપ ન હોવા છતાં ફરજ પરના PSIએ કોર્પોરેટરના કાર ચાલક પાસે આવી લાયસન્સ અને સાધનિક કાગળો માગી કાર નો પાર્કિંગ ઝોનમાં હોવાનું જણાવી રૂપિયા 500નો દંડની પાવતી આપી હતી.
જોકે કોર્પોરેટર એ પોતાની કારનો દંડ ભરી દીધો હતો. પરંતુ PSIએ નગરપાલિકાના વાહનો પણ દંડ માગતા કોર્પોરેટર અને PSI વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઇ લોકોના ટોળા એકઠા થઇ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે પોલીસે લોકોને વિખેરવા બળ પ્રયોગ કરતાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી.
![પાટણમાં કોર્પોરેટર અને PSI વચ્ચે દંડ ફટકારવા બાબતે ઘર્ષણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-03-frictionbetweencorporatorandpsiinpatan-vbb-vo-7204891_23072020212530_2307f_1595519730_612.jpg)
પોલીસ પ્રજાના પ્રતિનિધિ એવા નગરસેવક સાથે આવું ઉદ્ધતાઈભર્યું વર્તન કરી શકતી હોય તો સામાન્ય વ્યક્તિ અને નાના વાહન ચાલકો સાથે કેવી જોહુકમી કરતી હશે તેવી વાતો ચર્ચાની એરણે ચડી હતી. બગવાડા પોલીસ ચોકીની નજીકમાં જ ખાનગી વાહનચાલકો પોતાના વાહનોના અડીંગા જમાવી છે. જેને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે, તો પણ પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સામાન્ય વાહનચાલકો પાસેથી પોલીસ દંડ વસૂલ કરે છે.