પાટણ : નર્મદા કેનાલનું પાણી છેવાડાના ગામો સુધી સિંચાઈ માટે બ્રાન્ચ કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા આવી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કઈ અલગ જ છે. પાટણ જિલ્લાના રણકાંધીએ આવેલા રાધનપુર તાલુકાના કેટલાક ગામડાઓને હજુ પણ કેનાલનું પાણી મળતું નથી. જેથી ખેડૂતોને ખેતી કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
શોભના ગાંઠિયા સમાન કેનાલ : રાધનપુર તાલુકાના નાતવાડા, મોટી પીપળી, ભિલોટ, કલ્યાણપુરા જેવા ગામમાંથી મોટી પીપળી ડિસ્ટ્રીબ્યુટરી માઇનોર કેનાલ પસાર થાય છે. પરંતુ આ કેનાલ હાલમાં ખાલીખમ જોવા મળી રહી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ પોતાની મનમાની કરી કેનાલમાં પાણી ન છોડતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સિંચાઈ માટે પાણી ન હોવાના કારણે હાલમાં ખેડૂતોના ખેતરોમાં ઉભા પાક મુરજાઈ રહ્યા છે.
ખેડૂતોનો અનોખો વિરોધ : બીજી તરફ કેનાલમાં સાફ સફાઈના અભાવને કારણે ઝાડી-ઝાંખરા તેમજ માટીના થર જામી ગયા છે. તેમ છતાં પણ કેનાલની કોઈ સફાઈ કે મરમત કરવામાં આવતી નથી. ત્યારે આજે 4 ગામના ખેડૂતોએ નર્મદાની માઇનોર કેનાલમાં ઉતરી અર્ધનગ્ન થઈ કેનાલની સફાઈ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. બાદમાં રેલી યોજી નર્મદા વિભાગના અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
શું છે ખેડૂતોની માંગ ? ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. હાલમાં ખેડૂતોએ ખેતરમાં વિવિધ રવિ પાકનું વાવેતર કર્યું છે. ત્યારે ઉભા મોલને સાચવવા પાણીની અત્યંત જરૂરિયાત છે. માટે ખેડૂતોના હિતમાં મોટી પીપળી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી.
તંત્ર વાયદો પૂરો કરશે ? ખેડૂતોની રજૂઆતને પગલે નર્મદા વિભાગના અધિકારીએ પાંચ દિવસના અંદર કેનાલની સાફ સફાઈ કરાવી પાણી છોડવામાં આવશે તેવી હૈયા ધારણા આપી હતી. હાલ તો નર્મદા વિભાગ દ્વારા આગામી સમયમાં પાણી છોડવાની ખાતરી ખેડૂતોને આપવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નર્મદા વિભાગ કેનાલમાં પાણી છોડે છે કે પછી વાયદાઓ કરશે.