- અસહ્ય ઠંડીને કારણે લથડી હતી તબીયત
- આસપાસના લોકોએ 108ને કરી હતી જાણ
- સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું
પાટણ: છેલ્લા કેટલાક દિવસોથી પાટણ શહેર સહિત જીલ્લામાં હાડ થીજાવી દેતી કાતિલ ઠંડીની જનજીવન ઉપર માઠી અસર જોવા મળી રહી છે. ત્યારે ગુરુવારે શહેરના રાજમહેલ રોડ ઉપર પાલિકા બજારની સામે ઠંડીને કારણે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અતિશય ઠંડીને કારણે નિરાધાર વૃદ્ધનું મોત
પાટણ નજીક હાંશાપુર ગામે રહેતા બીજલભાઈ શંકરભાઈ ઠાકોર રાજમહેલ રોડ ઉપર પાલિકા બજારની સામે આવેલા ટીચર કોલોની સોસાયટી પાસે ગુરુવારે સવારે કાતિલ ઠંડીને કારણે ઠુઠવાઈ બેઠા હતા. દરમિયાન અસહ્ય ઠંડીને કારણે તેમની તબિયત લથડતાં આસપાસના લોકોએ 108ને જાણ કરી હતી ત્યારે 108ની ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી અને વૃદ્ધને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યું હતું. ઠંડીથી ઠુઠવાઈ જતા વૃદ્ધનાં મોતને પગલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.