સરહદ નજીક આવેલી પાટણ લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા મતક્ષેત્રોનો સમાવેશ થાય છે. જેમાં વડગામ, ખેરાલુ, કાંકરેજ, પાટણ, ચાણસ્મા, રાધનપુર અને સિદ્ધપુરનો સમાવેશ થાય છે. વર્ષ 1952થી 2004 સુધી આ બેઠક અનામત હતી, ત્યારબાદ નવા સીમાંકન આધારે વર્ષ 2009માં આ બેઠક બિનઅનામત બનતા ઓબીસી મતદારોનું પ્રભુત્વ હોવાથી વર્ષ 2009માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના જગદીશ ઠાકોરનો વિજય થયો હતો.
પાટણ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદારો ઓબીસી જ્ઞાતિના છે. આ ઉપરાંત પાટીદાર, લઘુમતી મતદારોનું પ્રભુત્વ હોવાથી આ મતદારો દરેક ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થયાં છે. ખાસ કરીને સરહદી વિસ્તાર એવા રાધનપુર અને સાંતલપુર વિસ્તારોમાં પાણીની સમસ્યા હંમેશા રહી છે. આ બેઠકમાં કોઈ મોટા ઉદ્યોગો કે ઈન્ડસ્ટ્રીઝ ન હોવાથી બેરોજગારીનો પ્રશ્ન પણ હંમેશા ચૂંટણીનો મુદ્દો બની રહ્યો છે.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી બંન્ને રાજકીય પક્ષે ઓબીસી ઉમેદવારની પસંદગી થશે તેમ મનાય છે. આને જોતાં સૌથી વધુ મતદારો ધરાવતાં ઠાકોર સમાજમાંથી જ બંન્ને પક્ષ ઉમેદવારોની પસંદગી કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં ઉતારે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે ભાજપ પક્ષ તરફથી ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી, કાંકરેજના કીર્તિસિંહ વાઘેલા, ચાણસ્માના ધારાસભ્ય દિલીપ ઠાકોર અને મહેસાણાના ઉદ્યોગપતિ જુગલજી ઠાકોરના નામ પણ ચર્ચામાં છે. ભાજપ આ બેઠક પર નવો ચહેરો મુકી શકે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
પાટણ સંસદીય વિસ્તારમાં 934086 પુરુષ મતદારો અને 863824 સ્ત્રી મતદારો તથા 23 અન્ય મતદારો મળીને 1લી જાન્યુઆરી, 2019 સુધીમાં કુલ 1797933 મતદારો છે. આ વખતની ચૂંટણીમાં 781 મતદાન સ્થળ 1230 મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લામાં 21643 અઢાર વર્ષની વય ધરાવતાં નવા મતદારો નોંધાયા છે.
પાટણ લોકસભા બેઠક પર 1957થી વર્ષ 2014 સુધીમાં 6 વખત કોંગ્રેસના ઉમેદવારો વિજય બન્યાં છે અને પાંચ વખત ભાજપના ઉમેદવારો વિજય થયા છે. જ્યારે જનતા દળ પાર્ટીના ઉમેદવાર ત્રણ વાર અને સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર એક વખત વિજય થયા છે. વર્ષ 2014માં યોજાયેલી ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપના લીલાધર વાઘેલાએ કોંગ્રેસના ઉમેદવાર ભાવસિંહ રાઠોડને 138719 મતોથી પરાજય આપી વિજય થયા હતા. જ્યારે હવે 2019ની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું છે, ત્યારે પાટણની બેઠક પર સૌની મીટ મંડાઈ છે.
વર્ષ 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપના લીલાધર વાઘેલાએ વિજય થયા બાદ પોતાના સાંસદના કાર્યકાળ દરમિયાન 2188.42 કરોડની ગ્રાંન્ટ ફાળવી હતી. જેમાંથી 2008.65 કરોડના વિકાસલક્ષી કામો કર્યાં છે.