પાટણ: હિન્દુ સંસ્કૃતિમાં દરેક ધાર્મિક તહેવારો અને ઉત્સવોનું અનોખું મહત્વ રહેલું છે. લોકો ધાર્મિક તહેવારો અને ઉત્સવોને ધામધૂમપૂર્વક ઉજવે છે. પરંતુ આ વર્ષે કોરોના કહેરના કારણે ધાર્મિક તહેવારોને પણ કોરોનાનું ગ્રહણ લગાયું છે. જેને લઇ લોકો સાદગીપૂર્વક તહેવારોની ઉજવણી કરી રહ્યાં છે.
ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પાટણમાં વર્ષોથી શ્રીજીની માટીની મૂર્તિઓ બનાવનારા ઓતિયા પરિવારો દ્વારા વિવિધ આકર્ષક અને કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે વિશાળ કદની મૂર્તિઓની જગ્યાએ નાના કદની મૂર્તિઓ બનાવવામાં આવી છે. કોરોનાની મહામારીમાં ગણશેજીની કોઇપણ મૂર્તિઓમાં ભાવમાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. છતાં પણ વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.