- પાટણના પ્રોફેસર સાઈબર ક્રાઈમનો ભોગ બન્યા
- ખોટા ફેસબુક અકાઉન્ટ પરથી રૂપિયા 43,000 ઉપાડી લીધા
- પાટણ શહેર પોલીસ ગણતરીનાં દિવસોમાં પૈસા પરત લાવી
પાટણ : ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. નિષિધ ધરૈયાના ફેસબુક પર એસ. પી. સિંહા મિત્ર હતા અને આ બન્ને મિત્રો ફેસબુકના માધ્યમથી વાતચીત કરતા હતા. જે દરમિયાન પ્રોફેસરે તેમના મિત્રને પોતાની સંસ્થામાં ડોનેશન આપવાની વાતચીત કરતા મિત્રે ડોનેશન આપવાની તૈયારી દર્શાવી હતી. જે બાબતની જાણ કોઈ ભેજાબાજને થતા એસ. પી. સિંહાના નામનું ફેક અકાઉન્ટ બનાવીને આ બન્ને વચ્ચેની વાતચીત ડાઈવર્ટ કરી હતી. એસ. પી. સિંહાએ નિષિધ ધારૈયાને ગુગલ પેથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ ટ્રાન્સફર નહીં થતા ભીમ એપ કન્ફર્મ કરવા જણાવ્યું હતું, પરંતુ બેંક ખાતામાં પૈસા આપવાને બદલે જમા રકમ રૂપિયા 43,000 ઉપડી ગયા હતા. જે મામલે પ્રોફેસરે મિત્રોને જણાવતા ઠગાઈ થયાની હકિકત પ્રકાશમાં આવી હતી.
બે દિવસ બાદ નાણા પરત મેળવવામાં સફળતા મળી
ફેસબુક પરથી ફેક યુઝર આઈડી પણ ડિલીટ થતા ઠગાઈનો ભોગ બન્યા હોવાનું સામે આવતા પ્રોફેસરે પાટણ સાઇબર પોલીસ ટીમને સંપર્ક કર્યો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ સાઇબર ટીમે તપાસ કરતાં ભેજાબાજે ગુગલ પેમાંથી પૈસા એમેઝોનમાં ટ્રાન્સફર કર્યાની હકિકત જાણવા મળી હતી. સાઇબર ટીમને પ્રોફેસરના બેંક ખાતામાંથી ઉપડી ગયેલા રૂપિયા 43,000 બે દિવસ બાદ પરત મેળવવામાં સફળતા મળી હતી.
સાઈબર ક્રાઈમનો ભોગ બનો તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો
સાઇબર ક્રાઇમના બનતા આવા ગુનાઓ થતા અટકાવવા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ નાગરિકોને જણાવ્યું હતું કે, ભેજાબાજો દ્વારા અવનવી તરકીબો અજમાવી ગુનાઓને અંજામ આપવામાં આવે છે. ત્યારે આવા ભેજાબાજો દ્વારા ફોન કે અન્ય માધ્યમો થકી પીન નંબર કે પાસવર્ડ મંગાવવામાં આવે છે. આવા સમયે કોઈને પણ પાસવર્ડ કે બેન્ક એકાઉન્ટ ને લગતી વિગતો આપવી નહીં ફેસબુક પર પણ મિત્રોના નામે ખોટા એકાઉન્ટ બનાવી રિક્વેસ્ટ મોકલવામાં આવે છે, પરંતુ તેની ખરાઈ કર્યા વગર સ્વિકારવી નહીં. જો ભૂલેચૂકે સાઇબર ક્રાઇમનો ભોગ બન્યો તો તાત્કાલિક પોલીસની સાઇબર ટીમનો સંપર્ક કરવા જણાવ્યું છે.