પાટણ: રાજ્યની સાથે પાટણમાં પણ આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાટણ શહેરમાં ભારે વરસાદના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલું વ્રજભૂમિ ટેનામેન્ટનું કેનાલ પરનું નાળુ નીચી સપાટીએ હોવાથી પાણીના પ્રવાહને અવરોધતુ હોવાથી આ સમસ્યાને હલ કરવા પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ સોમવારે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
![clashes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-thecanalofwetlandtenementwillbebrokenafteralternativearrangement-vb-vo-7204891_25082020193631_2508f_02852_65.jpg)
આ નાળુ તાત્કાલિક ધોરણે દુર કરવાનું જણાવતા ચીફ ઓફિસર દ્વારા નાળુ તોડવાની કામગીરી હાથ ધરાતા લોકોએ સોસાયટીમાં અવરજવરના રસ્તા મામલે ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમયે કેટલાક લોકોએ ચીફ ઓફિસર સાથે શાબ્દિક બોલાચાલી કરતા મામલો બિચક્યો હતો, ત્યારે નાળું તોડવાનો વિરોધ કરી રહેલા સ્થાનિકોએ ઘર્ષણમાં ઉતરી ચીફ ઓફિસરની ગાડીનો કાચ તોડ્યો હતો. મંગળવારે નગરપાલિકા પ્રમુખ, પક્ષના નેતા અને ચીફ ઓફિસરે વ્રજભૂમિ સોસાયટી ખાતે આવી પહોંચ્યા હતા અને સોસાયટીમાં વૈકલ્પિક રસ્તો કરી આપવા માટેનું નિરીક્ષણ કરી સ્થાનિકો સાથે ચર્ચાઓ કરી હતી.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, વ્રજભૂમિ ટેનામેન્ટનું નાળુ જે તે સમયે ગેરકાયદેસર રીતે બનાવેલું છે. આ સોસાયટીમાં અવર-જવર માટેના ચાર માર્ગો છે. રસ્તો વૈકલ્પિક રીતે ખુલ્લો કરી આપવામાં આવશે. જે બાદ નાળું તોડવામાં આવશે. પોતાની ઉપર થયેલા હુમલા મામલે ચીફ ઓફિસરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.