પાટણ: રાજ્યના ખેડૂતોને સમયસર સિંચાઈ માટેનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુજલામ સુફલામ કેનાલ અને માઇનોર કેનાલોમાં બનાવી છે. છેવાડાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે પ્રકારે નું આયોજન કર્યું છે. જેમાં કેટલીક કેનાલોમાં પાણી સમયસર પહોંચે છે. તો કેટલીક કેનાલો વર્ષો બાદ પણ કોરીધાકોર રહેવા પામી છે. પાટણ જિલ્લાના કેટલાક ગામો એવા છે કે હજી સુધી કેનાલનું પાણી પહોંચ્યું નથી જેના કારણે આ ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.
પાણી વિના ખેડૂતોની હાલત દયનીય: આ વિસ્તારના ખેડૂતોએ ચોમાસાની ઋતુને આધારે ખેતરમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. વરસાદના ચડાવ ઉતાર વચ્ચે પાક જળવાઈ રહ્યો છે. પણ હવે વરસાદની કોઈ આશા નથી. ત્યારે ખેતરમાં ઉભા પાકને પાણીની જરૂરિયાત છે. જિલ્લાના છેવાડાના ગામો સુધી નર્મદા કેનાલ તો પહોંચી છે. પણ કેટલીક કેનલોમાં વર્ષો બાદ પણ પાણી આવ્યું જ નથી.
લવિંગજી ઠાકોરે આપી માહિતી: રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે આ બાબત મારા ધ્યાન ઉપર છે અને આ અંગેની રજૂઆત મેં રાજ્યના મુખ્યપ્રધાનને પણ લેખિત કરી છે. તો નર્મદા વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે. ચેનલોની સાફ-સફાઈ તેમજ રીપેરીંગ નું ટેન્ડર પ્રક્રિયામાં છે. જે મંજૂર મળતા તમામ કામગીરી કરી પાણી ઓછું કરવાના મારા પ્રયત્નો છે.
અધિકારીએ બાંયધરી આપી: ખેડૂતોની રજૂઆતને પગલે નર્મદા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેન્દ્ર ગોસ્વામી એ ખેડૂતોને લેખિત બાંયધરી આપી હતી કે કેનાલોમાં સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવશે. સફાઈની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ કેનાલમાં સત્વરે પાણી છોડવામાં આવશે. છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઈના પાણી માટે વલખા મારતા સીધાડા પરસુંદ સહિતના ગામના ખેડૂતોને ક્યારે પાણી મળશે. તે તો જોવાનું રહ્યું હાલ તો પાણીની આશાએ ખેડૂતો મીટ માંડીને બેઠા છે.