પાટણઃ ભારત સરકારના આયુષ્ય મંત્રાલય દ્વારા કોરોના વાયરસની મહામારી સામે સૂચિત કરાયેલી દેશી આયુર્વેદિક દવાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. હાલમાં વધતા જતા સંક્રમણથી પાટણ શહેર અને જિલ્લાની જનતાને સુરક્ષિત રાખવા માટે પાટણ જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની બીજી ટર્મના એક વર્ષ પૂર્ણ થવા પર કોરોના મહામારી સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘેર ઘેર વિનામૂલ્યે હોમિયોપેથીક દવાનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લાના પાટણ, સિધ્ધપુર, હારીજ, ચાણસ્માઅને રાધનપુર મળી કુલ પાંચ શહેરો તેમજ તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારોમાં હોમિયોપેથીક દવાનું વિતરણ કરવા માટે અગ્રણીઓને દવાઓ સુપ્રત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પક્ષના કાર્યકરો દ્વારા ઘેર ઘેર ફરી લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આ હોમિયોપેથીક દવાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે.
વૈશ્વિક કોરોના મહામારીના સંકટ સામે સમગ્ર વિશ્વ લડી રહ્યુ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ લોકોની સાવચેતીની ધ્યાને લઇ લોકડાઉન જાહેર કરી એક મહત્વનું પગલું ભર્યું છે. વધુમાં આ મહામારી સામે લોકોની ખડે પગે સેવા કરતા એવા પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ,સફાઈ કામદારો સહિતના કર્મચારીઓની કામગીરીને પ્રદેશ મહામંત્રી કે.સી પટેલે બિરદાવી હતી. તેમજ પરપ્રાંતિય શ્રમિકો માટે ભાજપના કાર્યકરોએ જે સેવા કરી છે તે કામગીરીની પણ સરાહના કરી હતી.