- ઉમેદવારો પોતાના સમર્થકો સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા
- પ્રાંત કચેરી ખાતે જોવા મળ્યો ભારે ધસારો
- ચૂંટણીના માહોલમાં જોવા મળ્યો ગરમાવો
- શુક્રવારના રોજ 90 ઉમેદવારોએ ભર્યા ફોર્મ
પાટણઃ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પાલિકાની 44 બેઠકો માટે પ્રાંત કચેરી ખાતે શુક્રવારના રોજ ભાજપ કોંગ્રેસ અને અપક્ષના વિવિધ વોર્ડના ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્રો સુપ્રત કર્યા હતા.
પાટણમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો જોવા મળ્યો
પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પાલિકાની 44 બેઠકો માટે કેટલાક વોર્ડમાં છેક સુધી ચાલેલી અને નામો મામલે ખેંચાતાણ બાદ ભારતીય જનતા પાર્ટીએ 44 ઉમેદવારોના નામની જાહેરાત કરતા શુક્રવારના રોજ પાટણ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાંથી ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે પ્રાંત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. પાટણમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલના ઉમેદવારો પ્રાંત કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ભરવા પહોંચ્યા હતા. જ્યાં સમર્થકોએ ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. વોર્ડ નંબર 1ની પેનલના 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભરી પ્રાંત અધિકારીને સુપ્રત કર્યા હતા.
વિજય મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો
આ ઉપરાંત વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારીપત્રો ભર્યા હતા, ત્યારે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પક્ષના પૂર્વ નેતા મનોજ પટેલે નગરપાલિકાની ચૂંટણીમાં વિકાસના મુદ્દાને લઈને મતદારો સમક્ષ જવા જણાવ્યું હતુ અને નગરપાલિકાની 44 બેઠકો પર વિજય મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
નારાજ ઉમેદવારોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી
કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઈ નહીં પરંતુ ઉમેદવારોને સિધા જ ફોર્મ ભરવા માટેની સૂચનાઓ આપતા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો પણ પ્રાંત કચેરી ખાતે પોતાના ઉમેદવારીપત્રો ભરવા માટે સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા અને ઉમેદવારીપત્રો ભરી ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યા હતા. તો ભાજપ અને કોંગ્રેસમાંથી ટિકિટ કપાતા નારાજ ઉમેદવારોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી ફોર્મ ભર્યા હતા. પ્રાંત કચેરી ખાતે આજે સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને વિવિધ વોર્ડ વિસ્તારના રાજકીય પાર્ટીના ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. શુક્રવારના રોજ 90 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી રજૂ કરતા પાટણમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.