- સિદ્ધપુરના લુખાસણ ગામના શિક્ષિત ખેડૂતે અપનાવી આધુનિક ખેતી
- વર્ષ 2001 પ્રથમવાર કર્યું સરગવાનું વાવેતર
- પ્રથમ વર્ષે માર્કેટ ન મળતા સરગવાની ખેતી બંધ કરી
- બીજીવાર 17 વીઘા જમીનમાં સરગવાનું કર્યું વાવેતર
- સરકારમાંથી સહાય મેળવી આધુનિક ખેતીમાં પરગણ મંડ્યા
પાટણ જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, ત્યારે અહીંના ખેડૂતો અવનવા પ્રયોગો કરીને ખેતી ક્ષેત્રે સારી નામના કમાઈ રહ્યાં છે. એવા જ પ્રગતિશીલ ખેડૂત છે સિધ્ધપુર તાલુકાના બે હજારની વસ્તી ધરાવતા આ લુખાસણ ગામના કામરાજભાઈ ચૌધરીએ વર્ષ 1997- 98માં અર્થશાસ્ત્ર વિષય સાથે ગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો. પરંતુ પિતાની ઉંમર વધતાં અને બીજા ત્રણ ભાઈઓ નાના હોવાથી ખેતીની સઘળી જવાબદારી તેમના શિરે આવી પડી અને ત્યાં જ તેમણે નિર્ધાર કર્યો કે, હવે ખેતી ક્ષેત્રમાં કઈ કરી બતાવવું છે. બસ આ નિર્ધાર સાથે તેમણે વર્ષ 2001માં પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી નો રસ્તો અપનાવ્યો હતો. તેમણે વર્ષ 2001માં નાસિકથી સરગવાનું બિયારણ લાવીને 3 એકર જમીનમાં તેનું વાવેતર કર્યું હતુ. પરંતુ તે વખતે માર્કેટ ન મળવાથી તેમણે તે ખેતી બંધ કરી અને વર્ષ 2003માં દાડમમાં નસિબ અજમાવ્યું હતું. જેમાં સફળતા મળતા પોતાની 75 વીઘા જમીનમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી હતી. જેમાં તેમને સરકારની 70 ટકા સબસીડી મળતા ખેતીમાં નવો રાહ પકડ્યો હતો. તેમણે ફરીથી 17 વીઘા જમીનમાં સરગવા લગાવ્યા હતા. આ વખતે સરકારના બાગાયત વિભાગ દ્વારા પ્રતિ હેક્ટર 12500 રૂપિયાની સહાય મળી, વળી ટ્રેક્ટર ખરીદવામાં પણ 45 હજારની સરકારની સહાય થકી તેમણે આધુનિક ખેતીમાં પગરણ માંડ્યા.
- રેલવે મારફતે ચેન્નઈ, કલકત્તા, ઓરિસ્સા સુધી ખેતીનું ઉત્પાદન પહોંચાડે છે
- સરગવાની ખેતી કરી વર્ષે 30 લાખનો નફો મેળવે છે
- કામરાજભાઈ ચૌધરી સરગવાનું બિયારણ પણ જાતે જ તૈયાર કરે છે
- સરગવાના ઉત્તમ બિયારણના એક કિલોના 4000 હજાર ભાવ મેળવે છે
- અન્ય ખેડૂતોને માર્ગદર્શન પણ આપે છે
કામરાજભાઈ પોતાના સરગવા અમદાવાદ બરોડા થઈ રેલવે મારફતે ચેન્નઈ, કલકત્તા, ઓરિસ્સા સુધી મોકલીને વર્ષે 37 લાખની કમાણી કરે છે. જે પૈકી તેમને સાત લાખનો ખર્ચ કરવો પડે છે. તેમ છતાં વાર્ષિક 30 લાખનો નફો રળે છે. ખાસ વાત તો એ છે કે સારી ક્વોલિટીની સરગવાની સિંગો ઉપરાંત તેમણે સરગવાના બિયારણમાં પણ ખૂબ જ નામના હાંસલ કરી છે. સારા ઉત્તમ દેખાતા છોડમાં તેઓ કપડું વીંટીને તેમાંથી બિયારણ છુટું પાડે છે. જે પ્રતિ કિલોએ 4 હજારના ભાવ મેળવી મહારાષ્ટ્રના નાસિક ખાતે તેનું વેચાણ કરે છે. ખાસ કરીને ઓર્ગેનિક પ્રયોગો જેમ કે છાણિયા ખાતરમાંથી ડીકમ્પોઝર ઉમેરી તેને તૈયાર કરવું સરગવામાં ઈયળ આવે તો દેશી દવા તૈયાર કરવી, જીવામૃત બનાવવું વગેરે તેઓ આ સફળતા માટે ડ્રિપ એરીગેશન અને છાણીયા ખાતરને જવાબદાર માને છે. સાથે સાથે તેઓ દર બે વર્ષે સારા છોડમાંથી સિંગો પસંદ કરી તેમાંથી બિયારણ જાતે તૈયાર કરે છે અને તેમની મુલાકાતે આવતા ખેડૂતોને માર્ગદર્શન પણ આપે છે.
- કામરાજ ભાઈએ ખેતરમાં સરગવાના 2500 પ્લાન્ટ લગાવેલા છે
- વરસમાં બે વખત ઉત્પાદન મેળવી વધુ ઉપજ મેળવે છે
કામરાજભાઈ જે સરગવો વાવે છે. તેને સાડા ચાર માસે ફૂલ બેસે છે અને પાંચ માસ બાદ ઉત્પાદન આપવાની શરૂઆત કરે છે .જે સરગવો 20 વર્ષ સુધી ઉત્પાદન આપે છે. જેમાં પ્રતિ પ્લાન્ટ 47 કિલો ઉત્પાદન મળે છે. તેમના ખેતરમાં 2500 પ્લાન્ટ લગાવેલા છે અને પ્રતિ કિલો તેના ભાવ 40થી લઇ આજ સુધી મળે છે. પરંતુ આ ભાવ મેળવવા તેઓ ચોમાસા દરમિયાન સરગવાની કાળજી લઇને તેમાં ખાતર અને ખેડા કરે છે. જેના કારણે 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ તેઓ ઉત્પાદન મેળવે છે. આમ વર્ષમાં બે વાર ઉત્પાદન લઇને નફામાં વધારો કરે છે. તેમણે સરગવાનું વાવેતર 10×8ના અંતરે કર્યું છે.
- વાંસના વાવેતરમાં પણ મેળવી છે સારી સફળતા
- હવે તાઈવનના પપૈયાનું વાવેતર શરૂ કર્યું છે
સરગવાની ખેતીમાં સફળતા બાદ તેમણે ઉચ્ચ જાતનો 50 વર્ષ સુધી ઉત્પાદન આપતા વાસનું વાવેતર 20 વિઘા જમીનમાં કર્યું છે. જેના વેચાણ કરાર કંપની સાથે કર્યા છે અને તેમાં પણ સફળતા મેળવી છે, ત્યારબાદ હવે તેમણે પપૈયામાં તાઇવાન જાતની વેરાઈટી પસંદ કરી અને વાવેતર શરૂ કર્યું છે. આમ કામરાજભાઈ ચૌધરીએ પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતીનો રાહ અપનાવ્યો છે. જેમાં તેઓને સારી એવી સફળતા પણ મળી છે.
75 વીઘા જમીનમાં પ્રતિદિન 25 શ્રમિકો ને આપે છે રોજગારી
કામરાજભાઈ પોતાની 75 વીઘા જમીનમાં ખેતીક્ષેત્રે લોકોને રોજગારી પુરી પાડે છે. પ્રતિદિન તેમના 75 વીઘા જમીનમાં 25 શ્રમિકો કામ કરી રહ્યાં છે.
કામરાજભાઈ શિક્ષિત યુવાનો માટે પ્રેરણારૂપ બન્યાં
ગુજરાતમાં કહેવત છે કે, સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય તે કહેવતને કામરાજભાઈ ચૌધરીએ સાર્થક કરી છે અને પોતે શિક્ષિત હોવા છતાં ખેતીનો વ્યવસાય અપનાવી સારી એવી આર્થિક ઉપજ મેળવી રહ્યાં છે. તેઓ આજના ટેક્નોલોજીના યુગમાં શિક્ષિત યુવાનો માટે પ્રેરણારૂપ બન્યાં છે.
આ પણ વાંચો : પાટણમાંથી એક યુવાનનો મળી આવ્યો મૃતદેહ, મોતનું કારણ અકબંધ