- પાટણ બેન્ડવાજા એસોસિએશને કલેક્ટરને આપ્યું આવેદન
- ધંધા રોજગાર બંધ હોવાથી કલાકારોની હાલત કફોડી બની
- સામાજિક પ્રસંગોમાં બેન્ડ, જનરેટર, લાઈટ અને ઢોલ વગાડવાની મંજૂરી આપવાની માગ
પાટણ : સામાજિક પ્રસંગોમાં બેન્ડ, જનરેટર, લાઈટ અને નાસીક ઢોલ વગાડવાની મંજૂરી આપવાની માગ સાથે પાટણ જિલ્લાના બેન્ડવાજા એસોસિયેશન દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. 8 મહિનાથી ધંધા રોજગાર બંધ હોવાથી કલાકારોની હાલત કફોડી બની હોવાનું પણ બેન્ડવાજા એસોસિએશને જણાવ્યું હતું.

સરકારે સામાજિક પ્રસંગો કરવા માટે ૨૦૦ વ્યક્તિઓની છૂટ આપી
કોરોના મહામારીમાં લોકડાઉન બાદ અનલોક 5માં સરકાર દ્વારા તબક્કાવાર રીતે વિવિધ વ્યવસાયોને શરતોને આધીન ધંધા-રોજગાર કરવાની છૂટ આપી છે. સરકારે સામાજિક પ્રસંગો કરવા માટે 200 વ્યક્તિઓની છૂટ આપી છે, પણ આ પ્રસંગોમાં વરઘોડામાં બેન્ડવાજા, જનરેટર, લાઈટ, તેમજ ઢોલ વગાડવા માટેની મંજૂરી હજૂ સુધી આપી નથી.
છેલ્લા આઠ મહિનાથી ધંધો સદંતર બંધ હોવાથી જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું
આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હાલ કપરી પરિસ્થિતિમાં મૂકાયા છે. તેમને પોતાનું જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે બુધવારે પાટણ શહેર બેન્ડ, જનરેટર લાઈટ અને નાસીક ઢોલ એસોસિયેશનના આગેવાનોએ જિલ્લા કલેકટરને ઉદ્દેશીને આવેદન આપતા જણાવ્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી ધંધો સદંતર બંધ હોવાથી જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સરકાર દ્વારા સામાજિક પ્રસંગોમાં વરઘોડામાં બેન્ડવાજા, જનરેટર લાઈટ અને ઢોલ વગાડવાની મંજૂરી આપવામાં આવે તેવી માગ કરી હતી.
કલાકારો આજીવિકા રળવા કરી રહ્યા છે સંઘર્ષ
કોરોના સંક્રમણે દેશની આર્થિક સ્થિતિની સાથે સંગીત સાથે સંકળાયેલા તેમજ જનરેટર લાઈટ અને ઢોલ વગાડનારાઓના બેહાલ કર્યા છે. જેને લઇ આવા કલાકારો આજીવિકા રળવા માટે હાલમાં સંઘર્ષ કરી રહ્યા છે.