- 5 માર્ચે છે પાટણનો સ્થાપના દિવસ
- ચાલુ વર્ષે 1275મો સ્થાપના દિવસ
- સરકારની કોવિડ 19 ગાઈડ લાઈન પ્રમાણે યોજવામાં આવશે કાર્યક્રમો
પાટણઃ પાટણ નગરનો 5 માર્ચના રોજ 1275મો સ્થાપના દિવસ છે, ત્યારે સ્થાપના દિવસની ઉજવણી માટે વિચારવિમર્શ તથા સુચનાઓની આપ-લે કરવા પાટણ નગરપાલિકા ખાતે પાટણની સ્વેચ્છિક સંસ્થાઓ વેપારી મહામંડળ તથા બિન રાજકીય સંસ્થાઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોના કાળ સંદર્ભે સરકારની ગાઇડ લાઇન તથા નગરપાલિકાની ચૂંટણીની આચારસંહિતાના નિયમોને અનુસરીને આ દિવસે શોભાયાત્રા, ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો મંચ ઉપરનો કાર્યક્રમ કેવી રીતે યોજવો જોઈએ તે અંગેની વિચારણા કરવાની સાથે સૂચનો પણ મેળવવામાં આવ્યાં હતા.
સ્થાપના દિવસની ઉજવણીને લઈ અનેક સૂચનો કરવામાં આવ્યાં
પાટણ નગરના સ્થાપના દિવસને લઈને કરવામાં આવેલી રજૂઆતોમાં સ્થાપના દિવસના દિવસે લોકો પોતાના ઘર ઉપર એક દીપ પ્રજ્વલિત કરે, આ પ્રસંગને લઈ શહેરની સ્કૂલોમાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજાય, શહેરને રોશનીથી સજાવવામાં આવે, લોકજાગૃતિ માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે, આ કાર્યક્રમ ફક્ત આયોજકોનો નહીં પરંતુ સમગ્ર શહેરનો બની રહે તેવું આયોજન થાય, સોશિયલ મીડિયામાં લોકોની જાગૃતતાને ધ્યાને લઇ પાટણની એક એપ બનાવવામાં આવે અને તેમાં પાટણનો ઈતિહાસ રજૂ કરાય, વૃક્ષારોપણ કરવા, રક્તદાન કેમ્પ કરવા સ્થાપના દિવસને લઈને એક સપ્તાહ સુધી અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવે તેવા અનેક સૂચનો કરવામાં આવ્યાં હતા.
પ્રબુદ્ધ નાગરિકોએ પોતાના વિચારો અને મંતવ્ય રજુ કર્યા
પાટણ નગરના 1275 માં સ્થાપના દિવસની ઉજવણીને અનુલક્ષીને શહેરીજનો દ્વારા આ ઉજવણીને યાદગાર બનાવવા પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરવામાં આવ્યાં હતા.