પાટણ : પાટણ ચાણસ્મા હાઇવે રોડ પર ગત રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં રોડની સાઈડ પર આવેલ ડિવાઈડર પર રાખવામાં આવેલા બાંકડા પર બેઠેલા સિનિયર સિટીઝનોને જીપ ચાલકે અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. પોલીસે ઘટના સ્થળે દોડી આવી ગાડી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જીપ ચાલકે 5 વ્યક્તિઓને મરી ટક્કર : પાટણ શહેર સહિત જિલ્લાના હાઇવે માર્ગો ઉપર છાશવારે અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે. જેમાં બેફામ રીતે ગાડી હંકાળતા વાહનચાલકો પોતાના વાહનો પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી અકસ્માતો સર્જી અનેક જિંદગીઓને અકાળે મોતના મુખમાં ધકેલે છે, ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના પાટણ શહેરમાં ગત મોડી રાત્રે બની હતી. પાટણ ચાણસ્મા હાઇવે રોડ ઉપર આવેલ લીલી વાડી ચાર રસ્તા પર રાત્રિ દરમિયાન પાંચ જેટલા સિનિયર સિટીઝનો જમીને ચાલવા માટે નીકળ્યા હતા. આ પાંચે સિનિયર સિટીઝનો નિવૃત્ત સરકારી કર્મચારીઓ હતા તેઓ ચાલીને ગોગા માતાના મંદિર નજીક રોડની સાઈડમાં મૂકવામાં આવેલા બાંકડા ઉપર બેઠા હતા તે દરમિયાન ચાણસ્મા તરફથી માટેલા સાંઢની જેમ આવતી ongc ઓન ડ્યૂટી લખેલી જીપ ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રોડની સાઈડ ઉપર મૂકવામાં આવેલા બાંકડાને ટક્કર મારતા બાંકડા ઉપર બેઠેલા સિનિયર સિટીઝનોને ગંભીર ઇજાઓ થય હતી. અકસ્માતને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.
એક વૃદ્ધનું થયું મોત : અકસ્માત અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા પાયલોટ જયસિંહ રાજપૂત અને ઇએમટી વિજય રાઠોડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. અન્ય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
ગાડીચાલક જીપ મૂકી થયો ફરાર : અકસ્માતની ઘટનાને પગલે ગાડી ચાલક સહિત ગાડીમાં બેઠેલા અન્ય ત્રણથી ચાર જણા ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત સર્જનાર ગાડી કબજે કરી તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ગાડી ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Accident News : 20થી વધુ શ્રમિક ભરેલું તુફાન પલટી મારી ગયું, ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ
ધારપુર હોસ્પિટલમાં માત્ર પ્રાથમિક સારવાર : કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી ધારપુર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં ઈમરજન્સી સમયે પૂર્તિ સારવાર મળતી ન હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને રાત્રે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર જ આપવામાં આવી હતી ફરજ પરના ડોક્ટરે અન્યત્ર સારવાર અર્થે રિફર કરવા માટે કોઈ લખાણ આપવાની ના પાડી હતી તો હોસ્પિટલમાં ત્રણ એમ્બ્યુલન્સ હોવા છતાં રાત્રે માત્ર એક જ એમ્બ્યુલન્સ હોવાથી દર્દીઓને રિફર કરવામાં પણ ભારે તકલીફ પડી હતી. આ બાબતે પરિવારજનોએ હોસ્પિટલના સિવિલ સર્જન પારુલ શર્માને વાત કરતા તેઓએ ફરજ પરના ડોક્ટરને તાકીદ કરી હતી કે ઇમર્જન્સીમાં દર્દીને અન્યત્ર ખસેડવા માટે લખી આપવું ફરજિયાત છે. સિવિલ સર્જને તાત્કાલિક ડ્રાઇવરની વ્યવસ્થા કરી સિનિયર સિટીઝન વૃદ્ધને એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
આ પણ વાંચો : Road Accident in Karnal: હરિયાણામાં નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત, પંજાબના 4 લોકોના મોત
અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત
- સદાભાઈ મકવાણા, શિવમ સોસાયટી, પાટણ
- હરગોવનભાઈ પરમાર, શિવમ સોસાયટી, પાટણ
- ધર્માભાઈ રાઠોડ, શિવમ સોસાયટી, પાટણ
- મુલચંદભાઈ વાણિયા, ગ્રીનપાર્ક સોસાયટી, પાટણ
મૃતક
- સુરેશભાઈ રાઠોડ, શક્તિકૃપા સોસાયટી, પાટણ