- કોરોના સંક્રમણને અટકાવવા નગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો
- તમામ નાના-મોટા વેપારીઓને ફરજિયાત કોરોના રસી લેવી પડશે
- આજે શનિવારથી નગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાશે
પાટણ: રોકેટ ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા તમામ વેપારીઓ, લારી-ગલ્લાવાળા, નાસ્તાની લારીઓ વાળા, ચાની કીટલીઓવાળા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ, હેર-કટીંગ સલૂનની દુકાનવાળા, મેડિકલ સ્ટોરવાળા હોસ્પિટલ સ્ટાફ, હોટલ અને લોજમાં ફરજ બજાવતા કર્મચારીઓને ફરજિયાતપણે કોરોનાની રસી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આવતા નાગરિકો રસીકરણ નહીં કરાવે તો તેઓને ધંધા રોજગાર કરવા દેવામાં નહીં આવે તેવો મહત્વનો નિર્ણય લેવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વૃદ્ધાશ્રમના 10 વૃદ્ધોએ કોરોનાની રસી લીધી
12 કર્મચારીઓ સર્વેની કામગીરી હાથ ધરશે
પાટણમાં રસીકરણ ન કરાવનારા વેપારીઓનું ડોર સર્વેની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા શનિવારથી શરૂ કરવામાં આવશે જેમાં શહેરના અલગ-અલગ 4 વિસ્તારોમાં ત્રણ કર્મચારીઓ મળીને કુલ 12 કર્મચારીઓ સર્વેની કામગીરી હાથ ધરશે. જે વેપારીઓએ રસી નહીં લીધી હોય તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: પાલનપુર તાલુકાના 80 શિક્ષકોએ લીધી કોરોનાની રસી, તમામ સ્વસ્થ
4 દિવસમાં 3 હજારથી વધુ વેપારીઓએ લીધી રસી
પાટણ નગરપાલિકા દ્વારા નાના મોટા તમામ વેપારીઓને ફરજિયાતપણે રસી લેવાનો નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે પાટણ વેપારી એસોસિયએશનના પ્રમુખે નગરપાલિકાના આ નિર્ણયને આવકાર્યો હતો તેમજ જણાવ્યું હતું કે, વેપારીઓમાં જાગૃતતા આવી છે અને છેલ્લા ચાર-પાંચ દિવસમાં 3,000થી વધુ વેપારીઓએ રસી લીધી છે.