જૂનાગઢ : ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયરના જન્મદિવસને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. મહિલા પશુપાલકો દૂધ ઉત્પાદન ક્ષેત્ર સાથે જોડાઈને ભારતમાં તેના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપી શકે છે, તેવા ડૉ. વર્ગીસ કુરિયરના સ્વપ્નને આજે સૌરાષ્ટ્રની મહિલા પશુપાલકો સાકાર કરી રહી છે.
ડૉ. વર્ગીસ કુરિયર અને રાષ્ટ્રીય દૂધ દિવસ : આજે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી થઈ રહી છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયરનું સ્વપ્ન આજે ભારતના માધ્યમથી વિશ્વ ફલક પર સાકાર થતું જોવા મળી રહ્યું છે. પશુપાલન ક્ષેત્રે દૂધ ઉત્પાદનમાં ગુજરાત ખૂબ સારું યોગદાન આપી શકે તેવા સ્વપ્ન સાથે દૂધ ઉત્પાદન ડેરી શરૂ કરી હતી. વર્ગીસ કુરિયરનો મુખ્ય ધ્યેય દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકોની સાથે તેમના પરિવારની મહિલા દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ આગળ વધે તે હતું.
સૌરાષ્ટ્રમાં પશુપાલન અને દૂધના ઉત્પાદન : આજે સૌરાષ્ટ્રના મોટાભાગના ગામમાં નાની નાની દૂધ ઉત્પાદક મંડળી કામ કરી રહી છે. જેમાં મહિલાઓની સહભાગીતા હવે ધીમે ધીમે વધી રહી છે. પશુપાલનને ગીર અને સૌરાષ્ટ્રનો મુખ્ય વ્યવસાય માનવામાં આવે છે, જે ખેતી સાથે સીધો જોડાયેલો છે. આવી પરિસ્થિતિમાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ સૌરાષ્ટ્રની મુખ્ય જ્ઞાતિઓની વાત કરીએ તો મેર, આહિર, ગઢવી, રબારી, ચારણ અને માલધારી પરિવારો પરંપરાગત રીતે પશુપાલન અને દૂધના ઉત્પાદન સાથે જોડાઈને ડૉ. વર્ગીસ કુરિયરના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે.
પશુપાલનમાં મહિલાઓનો વિશેષ ફાળો : પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા પરિવારોમાં મહિલાઓ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. મહિલાઓ વગર પશુપાલન કરવું અશક્ય માનવામાં આવે છે. દિવસના પાંચ વાગ્યાથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધીના 12 કલાકના આ સમયગાળા દરમિયાન મહિલા પશુપાલકો તેમના દુધાળા પશુઓ ગાય, ભેંસ કે અન્ય પ્રાણીની દેખભાળમાં ફાળો આપો છે. જેમાં તેમની સાફ-સફાઈ અને દિવસના ચાર વખત ચારો આપવો, તેને ચરિયાણ વિસ્તારમાં ચરવા મોકલવાની સાથે ગાય અને ભેંસને બાંધવાની જગ્યાને સ્વચ્છ રાખવી મહિલાઓને ભાગે આવતું હોય છે.
મોટે ભાગે ગાય કે ભેંસને દોહવાનું કામ પુરુષ માલધારી કે પશુપાલક કરતા હોય છે. સામાન્ય રીતે જંગલમાં કે ચરિયાણ વિસ્તારમાં ચરાવવા માટે પુરુષ માલધારી અને પશુપાલક જતા હોય છે. જેથી ગાય કે ભેંસ સીધી રીતે પુરુષ માલધારી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી હોય છે. એટલે દિવસના બે વખત ગાય કે ભેંસને દોહવાનું કામ પુરુષ માલધારી કરતા હોય છે. આ સિવાય દિવસની તમામ દિનચર્યા કે જે પશુઓ સાથે જોડાયેલી છે તેને મહિલાઓ પૂરી કરે છે.