સુરત : તાજેતરમાં સુરતના હીરા વેપારી સાથે CVD અને રિયલ હીરાનો માલ મેળવી રૂપિયા 6,08,691 કરોડની છેતરપિંડી કર્યાનો મામલો બન્યો હતો. આ મામલે સુરત ઇકો સેલ પોલીસે બે આરોપીને કામરેજ અને વેસુ ખાતેથી ઝડપી પાડ્યા છે.
સુરતના હીરા વેપારી સાથે છેતરપિંડી : આ બાબતે સુરત ઇકો સેલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ACP જી. એસ. સરવૈયાએ જણાવ્યું કે, હાલમાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં હીરા વેપાર સાથે સંકળાયેલા ફરિયાદી ધનેશ મોહનલાલ સંઘવીએ ફરિયાદ આપી છે. તેઓની ઓફિસ વેસુ વીઆઈપી ખાતે આવી છે.
હીરા દલાલ તરીકે શરૂ કર્યો વ્યાપાર : હાલ પકડાયેલા બંને આરોપીઓ તેમની ઓફિસે આવ્યા હતા.બાદમાં પોતાને હીરા દલાલ તરીકે ઓળખ આપી CVD અને રિયલ હીરો લઈને જતા રહ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને આ પહેલા પાંચ થી છ વખત હીરાનું વેચાણ કરાવી આપ્યું હતું. જેથી ફરિયાદીને આરોપીઓ ઉપર વિશ્વાસ બેસી ગયો હતો. જેથી દિવાળી પહેલા જ ફરિયાદી પાસેથી હીરા વેચવાના બહાને લઈ ગયા હતા.
છ કરોડની છેતરપિંડી કરી ગાયબ થયા : હીરો લઇ ગયા બાદ આરોપીઓએ પેમેન્ટ કર્યું હતું નહીં અને હીરો પણ પરત આપ્યો નહીં અને ફોન ઉંચકવાનું પણ બંધ કરી દીધું હતું.બાદમાં ફરિયાદીનો નંબર બ્લેક લિસ્ટમાં નાખી આરોપીઓ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે ફરિયાદીએ મહિધરપુરા પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલાની તપાસ સુરત ઇકો સેલ ક્રાઈમ બ્રાન્ચની સોંપવામાં આવી હતી.
બે આરોપી ઝડપાયા, નવ વોન્ટેડ : આ મામલે ઈકો સેલ પોલીસે આરોપી પાંચાભાઈ ઉર્ફે હનુભાઈ નારણભાઈ શિંગડને કામરેજ ખાતેથી ઝડપી પાડ્યા હતા. બીજા આરોપી નિલેશભાઈ નવીનચંદ્ર શાહને વેસુ વીઆઈપી રોડ પરથી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આ છેતરપિંડીમાં અન્ય બીજા નવ આરોપી છે. તે તમામ આરોપીઓને ઇકો સેલ પોલીસે વોન્ટેડ જાહેર કરી તેઓને પકડવા તજવીજ હાથ ધરી છે.