પાટણ: ચાણસ્મા-મહેસાણા હાઇવે પર આજે વહેલી સવારે ખાનગી લક્ઝરી બસ અને ટ્રેકટર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજાઓ થવાને કારણે ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બે બાળકીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતને પગલે હાઇવે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકજામ થયો હતો.
પુત્રીઓ સામે પિતાનું મોત: પાટણ જિલ્લાના હાઇવે માર્ગ ઉપર છાશવારે નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ બને છે. જેમાં મહામૂલી જિંદગીઓ અકાળે મોતને ભેટે છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં પુત્રીઓની સામે જ પિતાનું કમકમાટીભર્યું મોત નીપજતા પુત્રીઓ હેબતાઈ ગઈ હતી.
આ રીતે સર્જાયો અકસ્માત: પ્રાપ્ત વિગતો અનુસાર ધીણોજના રેલવેપુરામાં રહેતા ભરતભાઈ પટેલ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. આજે સવારે નિત્યક્રમ મુજબ તેઓ પોતાનું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર લઈને ઘરેથી ખેતરમાં જઈ રહ્યા હતા. તેઓની સાથે તેમની બંને દીકરીઓ હતી. તેઓ ધીણોજથી થોડે દૂર શ્રીજી ફેક્ટરી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન માટેલા સાંઢની જેમ આવી રહેલી નિર્મા કંપનીની લક્ઝરી બસની ટ્રેક્ટરની ટોલીને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર ઊંધું વળી ગયું હતું.
પરિવારજનો શોકાતુર: ટ્રેક્ટર ચાલક રોડની ઉપર ધડાકાભેર પટકાતા હતાં. તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બંને દીકરીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરિવારના મોભીનું અકાળે મોત થતાં પરિવારજનોમાં શોકની કાલીમા છવાઈ હતી.
લક્ઝરી ચાલકે ટ્રેક્ટરની પાછળથી ટક્કર મારતા ચાલક રોડ ઉપર પટકાતા હેડ ઈન્જરીને કારણે તેનું ઘટનાસ્થળે મોત થયું છે. પોલીસે લક્ઝરી ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.--- ચાણસ્મા PI ડાભી
પોલીસની કાર્યવાહી: ધીણોજ નજીક અકસ્માતની જાણ ચાણસ્મા પોલીસને થતા ચાણસ્મા PI સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહનું પંચનામું કરી પીએમ અર્થે લણવા સામયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ પોલીસે લક્ઝરી ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.