પાટણ: રાજ્યમાં પણ કોરોના મહામારીથી અનેક લોકોના મોત થયા છે. પાટણમાં હિંદુ સ્મશાનમાં કોરોના પોઝિટિવ દર્દીનું અવસાન થયા બાદ કોઇપણ ભેદભાવ વગર વિનામૂલ્યે અંતિમ કરવામાં આવ્યા છે. પાટણ હિંદુ સ્મશાન ભૂમિના ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલી પ્રવૃત્તિ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
પાટણ હિંદુ સ્મશાન ભૂમિના ટ્રસ્ટ મેનેજીંગ ટ્રસ્ટી યતીન ગાંધીએ જણાવ્યું હતું કે, હિંદુ સ્મશાન ભૂમિમાં ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસ સુધીમાં કુલ 226 લોકોના અંતિમ સંસ્કાર કોઇપણ પ્રકારના ભેદભાવ વગર વિનામૂલ્યે કરવામાં આવ્યા છે.
યતીન ગાંધીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત 60 લોકોના અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવામાં આવ્યા છે. હિંદુ સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર બાદ સમગ્ર સ્મશાન ભૂમિને પાણીથી ધોઈ સેનેટાઈઝર કરી અંતિમ સંસ્કાર કરવા આવતા લોકો સંક્રમિત ન બને તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
- પાટણમાં હિંદુ સ્મશાનમાં કોરોના સંક્રમિત 60 દર્દીઓના અંતિમ સંસ્કાર કરાયા
- પાટણ હિંદુ સ્મશાન ભૂમિના ટ્રસ્ટ મેનેજીંગ ટ્રસ્ટી યતીન ગાંધીએ કહ્યું કે, ફેબ્રુઆરીથી ઓગસ્ટમાં 226 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
- પાટણ શહેરમાં ICU એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ કરાઈ
કોરોના મહામારીને લઇ અંતિમ સંસ્કાર અર્થે લવાતા કોરોના સંક્રમિત વ્યક્તિઓના અંતિમ સંસ્કાર માટે અલાયદી ભઠ્ઠી તૈયાર કરવામાં આવી છે. અહીં 24 કલાક કોઇપણ જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કારની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. મૃતકના મૃતદેહને 48 કલાક સુધી રાખી શકાય તે માટે દાતાના સહયોગથી હિંદુ સ્મશાન ભૂમિમાં 3 એસી કોફીનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
હિંદુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટી મંડળ દ્વારા પાટણ શહેરમાં ICU એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોઈપણ કોરોના સંક્રમિત દર્દી કે અન્ય દર્દીને અમદાવાદ ખાતે સારવાર અર્થે લઈ જવા માટે આ ICU એમ્બ્યુલન્સનો ચાર્જ ફક્ત 10,000 લેવામાં આવે છે.