પાટણઃ પાટણ જિલ્લાના કોંગ્રેસના રઘુભાઈ દેસાઈ, કિરીટભાઈ પટેલ અને ચંદનજી ઠાકોરે આ ત્રણેય ધારાસભ્યોએ રજૂઆત બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, સાંતલપુર તાલુકાના ગઢા ગામના રાવળ મહેશકુમાર ઈશ્વરલાલને તારીખ 30/3/2020ના રોજ સાંજે વારાહી પોલીસ ઉઠાવી ગઇ હતી. બીજા દિવસે સવારે પોલીસે પરિવારજનોને બોલાવ્યા હતા. બપોરે 02:00 વાગે સોંપી દીધેલા મહેશકુમારે જણાવ્યું કે, પોલીસે મને ગુપ્ત ભાગે એને પેટમાં માર માર્યો છે, જેથી મને પેટમાં દુખાવો થાય છે. ત્યારબાદ તેની તબિયત વધુ બગડતાં વારાહી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. પરત ઘરે આવતા મોત નીપજ્યું હતું.
પોલીસે દબાણમાં દફન વિધિ કરાવી હતી. પરંતુ ગામ લોકોને જાણ થતાં ઉગ્ર રજૂઆતો બાદ મૃતદેહ બહાર નીકળી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ તબીબો દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. આ ગંભીર બનાવમાં જવાબદારો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આ ઉપરાંત જિલ્લાના ૪૦ ટકાથી વધુ રેશનકાર્ડ ધારકોના કાર્ડ બંધ છે. તેઓને પણ પૂરવઠો આપવામાં આવે તેવી ત્રણેય ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, ખરેખર જરૂરીયાત વાળાના નામ બીપીએલ, અંત્યોદય કે એપીએલની એન.એફ.એસ.એની યાદીમાં નથી જેથી તેઓ પૂરવઠાથી વંચિત છે. હાલમાં લૉકડાઉનની સ્થિતિમાં કામ ધંધો બંધ છે. ત્યારે રાજ્યના એપીએલ 1અને એપીએલ 2 સહિત જે રેશન કાર્ડ ધારકોના કાર્ડ બંધ છે તે તમામને ત્રણ મહિના સુધી પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપવામાં આવે તેવી માંગ કરી હતી.