પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ચાર વર્ષથી શક્તિપીઠ પાવાગઢને વિશ્વફલક પર લાવવા માટે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પાવાગઢ સ્થિત વિશ્વ વિરાસતોને વિશ્વ જાણે છે. અહીં પર્યટન સ્થળ તરીકે વિકસિત થાય તેવા ઉમદા હેતુથી પ્રવાસન વિભાગ અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વખતે પણ પંચમહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સોમવારે રાજય કક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર દ્વારા ટેન્ટ સીટીને રીબીન કાપી વિધિવત રીતે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ, કાલોલ ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા.
પાવાગઢના વડાતળાવ સ્થિત રમણીય અને સુંદર જગ્યા બનાવવામાં આવેલું ટેન્ટ સીટી પંચમહોત્સવનું મોટું આકર્ષણ છે. અહીં વિવિધ કેટેગરીના ટેન્ટમાં ઓનલાઇન અને ટેલિફોનિક રજીસ્ટ્રેશન કરી બૂક કરી શકે છે. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલનારા પંચમહોત્સવનો આનંદ માણી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત પંચમહોત્સવમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ટેન્ટ સીટીમાં રોકાવાનો લાભ લીધો હતો. જે આ વખતના આકર્ષક વાતાવરણ અને આયોજનને કારણે રસ ધરાવતા સહેલાણીઓની સંખ્યા વધી શકે તેવી શક્યતા છે.
પંચમહોત્સવ-2019ના આયોજનમાં 25 ડિસેમ્બરથી શરૂઆતના પાંચ દિવસ સૌથી મોટા આકર્ષણના કેન્દ્ર સ્થાને રહેનાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પરફોર્મેન્સ આપશે. ખાસ કરીને કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, પાર્થિવ ગોહિલ, ભૂમિ ત્રિવેદી અને સચિન જીગર જેવા કલાકારો પરફોર્મ કરવાના છે. મોટી સંખ્યામાં જન મેદની ઉમટે તેવી શક્યતા છે. જે કારણે પંચમહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત, એમ્યુઝમેન્ટ પાર્ક, સફારી રાઈડ, એડવેન્ચર સ્પોર્ટ્સ સહીતના ઘણા કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. માનવ મહેરામણને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સાથે સુરક્ષાને લઇને પણ સઘન બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ વખતે પંચમહોત્સવની થીમ બેટી બચાવો બેટી પઢાવો પર રાખવામાં આવી છે.