રાજ્યના જન્મથી 6 વર્ષની વય જૂથના બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં સુધારો થાય, બાળકોનો યોગ્ય શારીરિક માનસિક અને સામાજિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં બાળકોને પૂરક પોષણ ,પૂર્વ પ્રાથમિક શિક્ષણ ,રસીકરણ ,રેફરલ સેવાઓ અને આરોગ્ય તપાસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
આ સેવાઓ બાળકો સુધી પહોંચાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોની નિમણુક કરવામાં આવી છે. જે બહેનો દ્વારા આ તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં ૨૦૦૦ જેટલા આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. જેમાં 54110 જેટલા 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા પૂરક પોષણ અને અન્ય આરોગ્યની સુવિધાઓ આપવામાં આવે છે.
આ આંગણવાડી બહેનો પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક નિભાવે તે માટે તેઓને દર વર્ષે માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. પંચમહાલ જિલ્લાનો સૂપોષણ ચિંતન સમારોહ અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ ગોધરા નજીક આવેલા ત્રિમંદિર ખાતે યોજાયો હતો. જેમાં 7તાલુકાના 24 આંગણવાડી કાર્યકર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.જેમાં શિલ્ડ અને ₹ 21 તથા ₹ 11 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ તેઓને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. ભામૈયા નજીક યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.