ગોધરા ખાતે આવેલી શ્રી ગુરુ યુનિવર્સિટીની સ્થાપના બાદ આવનવા કાર્યક્રમનું આયોજન થતું રહે છે. ગોધરા પાસેના ગદૂકપુર ખાતે આવેલી સરકારી પોલીટેકનિક કૉલેજના ઓડિટોરિયમ ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી તથા વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સંબદ્ધ વિદ્વત પરિષદગુજરાત પ્રદેશના સંયુક્ત ઉપક્રમે " વર્તમાન શૈક્ષિક પડકારો અને નવી શિક્ષણનીતી" વિષય ઉપર એક રાષ્ટ્રીયપરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય વક્તા તરીકે અવનિશજી ભટનાગર(અખિલ ભારતીય પ્રધાન,વિદ્યા ભારતી અખિલ ભારતીય વિદ્યા સંસ્થાન) અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીતિનભાઈ પેથાણી હાજર રહ્યા હતા. તેમણે ઉપસ્થિત અધ્યાપકો, આચાર્યો, વિદ્યાર્થીઓ સમક્ષ આ વિષય સંદર્ભે વ્યાખ્યાન રજૂ કર્યું હતું.
શિક્ષણ કોઇ પણ દેશની સભ્યતા અને સંસ્કૃતિનું અનિવાર્ય અંગ છે. માનવ વ્યક્તિત્વનો ઉચ્ચતમ વિકાસએ ભારતીય શિક્ષણનો વિશિષ્ટ ઉદ્દેશ છે. તેથી ભારતીય શિક્ષણ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે અનુકુળ હોય તે આવશ્યક છે. આ પ્રકારના ઉમદા વિચાર સાથે વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. સાથો-સાથ વિદ્યાભારતી સંબદ્ધ વિદ્વત પરિષદ સમાજના વિદ્યાનું શિક્ષણ તથા લેખકો સાથેની ગોષ્ઠિ શિક્ષણને રાષ્ટ્રના સમગ્ર વિકાસનો આધાર સિદ્ધ કરવા પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે કાર્યક્રમને સફળ ગણાવ્યો હતો. કાર્યક્રમમાં યુનિવર્સિટી સાથેની સંલગ્ન કૉલેજ સાથે સંકળાયેલા અધ્યાપકો આચાર્યો, સિન્ડિકેટ મેમ્બરો શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર હતા.