ગોધરા : પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દાહોદ હાઇવે પાસે આવેલા ગઢચુંદડી ગામે પાર્ક કરેલી બસને પાછળથી પૂરપાટ આવતી અન્ય બસે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે અકસ્માતની આ ઘટનામાં બસમાં સવાર 4 લોકોનાં મોત નિપજ્યાં હતા. જેમાં બે વર્ષના બાળક સહિત એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 17 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
વહેલી સવારે અકસ્માતની ઘટના : પંચમહાલ જિલ્લાના ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા ગઢચુંદડી ગામ પરવડી ચોકડી પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમા બે લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. બસમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 17 જેટલા ઘાયલ લોકોને ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા તંત્રના અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત : પ્રાપ્ત વિગતો અનુસાર ઈન્દોરથી અમદાવાદ જઈ રહેલી એક લકઝરી બસમાં ખામી સર્જાતા હાઈવે પર પાર્ક કરીને તેમા રીપેરીંગની કામગીરી કરવામા આવી રહી હતી. તે સમયે આ માર્ગ પરથી પસાર થતી એક અન્ય લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા માર્ગ પર ઉભેલી બસને ટકકર મારી દીધી હતી. પરિણામે બસ બાજુના એક ખાડામાં ઉતરી જતાં તેમા બેઠેલાં મુસાફરોમાં ચીસાચીસ મચી ગઇ હતી.
અકસ્માતમાં એક મહિલા, બે બાળક સહિત 4 મોત : અકસ્માતની જાણ થતાંની સાથે પોલીસે પણ ઘટના સ્થળે આવી પહોંચી ઈજાગ્રસ્ત મુસાફરોને ગોધરા સિવિલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં એક મહિલા, બે બાળક સહિત 4ના મોત થયાની ખબર પ્રાપ્ત થઈ રહી છે. તંત્રના અધિકારીઓ પણ ગોધરા સિવિલ ખાતે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ગોધરા ખાતે ખસેડાયા હતા. સાથે સાથે બે લોકોને વધુ ઈજા પહોચતા વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઇજાગ્રસ્તોની યાદી : અકસ્માતમાં ઇજાગ્રસ્તોમાં જ્યોતિબેન ઉમંગભાઈ, ગ્યાનશીબેન પ્રકાશભાઈ, અનિતાબેન, સુર્યાશભાઈ, ક્રિશ, શુભશર્મા, સમૃધ્ધિ શર્મા, કરણસિંહ પારગી, પ્રકાશભાઈ, અંકિતસિંહ, રઘુભાઈ, રમેશભાઈનો સમાવેશ થાય છે.