- ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે ગામ દેવતાનું પૂજન
- 7 કે 9 દિવસ સુધી ગામ લોકો કરે છે પૂજન
- ઘર દીઠ સ્વેચ્છાએ લોકો આપે છે ફાળો
પંચમહાલઃ જિલ્લાને આદિવાસી જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં દિવાળી પછી નવા વર્ષે દર પાંચ વર્ષે ગામડાના લોકો ગામના દેવની પૂજા કરતા હોય છે. જેને ગામડાની ભાષામાં દેવના જાતર બેઠા એમ કહેવામાં આવે છે. આ વિસ્તારમાં ગામમાં 7 કે 8 સ્થાન કે જે ગામ લોકોએ નક્કી કર્યા હોય, ત્યાં અલગ અલગ નામે દેવી દેવતાનું સ્થાનક બનાવવામાં આવે છે. જો ગામના દેવી અને દેવતાના નામની વાત કરવામાં આવે તો ભેંસા દેવ, ખેડબાઈ માતા, એરાઈ માતા એવા નામ હોય છે.
દર પાંચ વર્ષે એક વાર કરાઈ છે જાતર પૂજા
આ જાતર પૂજામાં ગામના તમામ જાતિના લોકો સ્વેચ્છાએ દેવ ફાળો આપે છે. જેમાં દરેક જાતિના લોકોનો સહકાર હોય છે. ગામમાં આવેલા અલગ-અલગ દેવ સ્થાનો પર ગામના લોકો 7 કે 9 દિવસ સુંધી રાત અને દિવસ ત્યાં બેસીને દેવી અને દેવતાઓને ખુશ કરવામાં માટે દેવગીતો અને ભજન કીર્તન કરતા હોય છે. આ પ્રસંગે ખાસ ડાકલા તેમજ ઢોલ વગાડવામાં આવે છે. જાતર જેટલા દિવસ બેઠા હોય તેટલા દિવસ ગામ લોકો પોતાના ઘરેથી બનાવેલા ભોજન દેવ આગળ ધરાવે છે. તેમજ સૌ સાથે મળીને ભોજન લે છે. આ જાતર દર પાંચ વર્ષે એક વાર કરવામાં આવે છે. આ કરવાં પાછળ ગ્રામજનોની સુખાકારી માટેનો હેતું હોય છે. તેમજ સારી ખેતી અને ગામના તમામ લોકો શારીરિક તેમજ આર્થિક રીતે સધ્ધર રહે તે માટેનો હેતું રહેલો હોય છે.
એકદમ સાત્વિક રીતે કરાઈ છે વિધિ
ગામમાં જો કોઈ પણ ના ઘરે ગાય, ભેંસ વિયાણી હોય તો સવા મહિના સૂંઘી ઘરના કોઈ પણ લોકો દૂધનું સેવન કરતા નથી. સવા મહિના બાદ ભેંસા દેવને દૂધની વાનગી બનાવીને અર્પણ કરીને જે તે ઘરના લોકો દૂધનો ઉપયોગ કરે છે. આ તમામ પ્રકારની વિધિ એકદમ સાત્વિક રીતે કરવામાં આવે છે. આમ દેવ કે દેવીને ફક્ત ફળ અને ફૂલ જ અર્પણ કરવામાં આવે છે.