- ગોધરા નગરપાલિકામાં સર્જાયો મેજર અપસેટ
- અપક્ષના ઉમેદવારની નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી
- સભાખંડમાં ભાજપે હોબાળો કરતા પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી
ગોધરા: ફેબ્રુઆરી મહિનામાં ગોધરા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 11 વોર્ડની 44 બેઠકો પૈકી ભાજપને 18, અપક્ષને 18, કોંગ્રેસને 1 અને AIMIMને 7 બેઠકો મળી હતી. આમ, સ્પષ્ટ બહુમતી ન મળતાં સત્તા મેળવવા માટે અપક્ષ તેમજ AIMIMના સભ્યોનો સહકાર ફરજીયાત બન્યો હતો. આ વચ્ચે AIMIMના 7 સભ્યોને સાથે રાખીને અપક્ષ દ્વારા ગોધરા નગરપાલિકામાં સત્તા મેળવવામાં આવી છે.
ભાજપના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હોબાળો
ભાજપ પાસે માત્ર 19 સભ્યો જ હોવાથી ભાજપના સભ્યો સત્તા સરકી જવાનો ભાળ મેળવી ચૂક્યાં હતા. જેથી વરણી પ્રક્રિયા શરૂ થાય એ પૂર્વે તેમણે સભાખંડમાં ભારે સૂત્રોચ્ચાર કરીને સભાખંડમાંથી પોલીસને દૂર કરવાની માગ કરી હતી. જેને પગલે એક તબક્કે વરણી પ્રક્રિયા અટવાઈ ગઈ હતી અને પોલીસે સૂત્રોચ્ચાર કરતાં સભ્યોને સભાખંડમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, આ તમામ હાઈ વોલ્ટેજ ડ્રામાની સ્થિતિ વચ્ચે આખરે પોલીસે સ્થિતિ સંભાળી લેતા વરણી પ્રક્રિયા શરૂ કરાઇ હતી.