ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સાંકડી શિલાઓને જોતા એવું લાગે અહીંથી પ્રવેશી શકશે નહીં, પણ આ ચમત્કાર ગણો કે શ્રદ્ધા. સાંકડી ગલીમાં મોટું શરીર ધરાવતી વ્યક્તિ પણ આસાનીથી પસાર થઈ જાય છે. ગુપ્તેશ્વર મહાદેવની સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે, મહાભારતકાળમાં ચૌદ વર્ષના વનવાસ વખતે પાંડવો અહીં આવ્યા હતા. અહીં પાંડવોએ ગુપ્તવાસમાં રહી શિવજીની આરાધના કરી હતી. પાંડવોના ગયાં બાદ ગુપ્તેશ્વર મહાદેવ લોકોમાં પ્રચલિત થયાં હતાં.
હાલમાં અહીં શ્રાવણના સોમવાર અને રજાના દિવસોમાં ભક્તો આવે છે. ગુફાની બહાર નીકળતા જ પથ્થરોની શીલાઓ અને આસપાસનું લીલુંછમ વાતાવરણ આહલાદક દ્રશ્યો સર્જે છે. અહીં શિવરાત્રીનો મેળો ભરાય છે. ભાવિકો દ્વારા ગુફાની અંદર લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કોઈ કાયમી પુજારી નથી. જેથી ગામલોકો જ મંદિરનો વહીવટ કરે છે. કહેવાય છે કે, અહીં આવતા દરેક ભક્તોની ઈચ્છા ગુપ્તેશ્વર મહાદેવ પુરી કરે છે.