ભ્રષ્ટાચાર રોકવા માટેની જેની જવાબદારી છે અને ગેરકાયદે પ્રવૃત્તિ સામે ગુન્હો નોંધવાની જેને માથે જવાબદારી હોય એ જ મોટો ભ્રષ્ટાચાર કરે એવો બનાવ હાલોલ પોલીસ સ્ટેશનમાં બન્યો છે. જ્યાં વર્ષ 2011 થી 2018 સુધી સતત હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલોલ પોલીસ સ્ટેશનના રાઇટર તરીકે એકાઉન્ટ સંભાળતા એવા મહિલા ASI નયના તડવીએ 43.50 લાખની ઉચાપત કર્યા હોવાની ફરિયાદ હાલોલ પોલીસ મથકમાં નોંધાઈ છે .
ASI નયના તડવી દ્વારા વર્ષ 2011 થી 2018 દરમિયાન ખોટી સહીઓ કરી લાખોની ઉચાપત કરી હોવાની હકીકત સામે આવી છે. હાલોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓના પ્રવાસ ભથ્થા 'રજા પગાર 'સહીત ટ્રાફિક નિયમન દંડની વસુલાતની રકમ માંથી 43.50 લાખની ઉચાપત કર્યા હોવાની હકીકત સામે આવી છે,
આ મામલે મહિલા ASI નયના તડવી સામે હાલોલ પોલીસ મથકમાં ઉચાપતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ મહિલા ASI નયના તડવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં કેટલા રૂપિયાની ઉચાપત કરી છે તેમજ કેવી પધ્ધતિથી આ ઉચાપત કરવામાં આવી છે તેમજ ઉચાપત કરેલ નાણાનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તે તમામ સવાલોનો જવાબ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.