પંચમહાલ: કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સંક્રમણની તીવ્રતાને આધારે પંચમહાલ જિલ્લાને રેડ ઝોનમાં વિભાજીત કર્યા બાદ સોમવારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એક અને હાલોલમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં પણ ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 62 અને હાલોલમાં 6 મળી કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 68 થવા પામી છે.
પંચમહાલ જિલ્લામાં 4 દર્દીઓના સારવાર દરમિયાન ગોત્રી હોસ્પિટલ વડોદરા ખાતે મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 27 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં 37 કેસો સારવાર હેઠળ હોવાની વિગતો સામે આવી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ નગરના લીમડી ફળિયાના 6 માસના માસૂમ બાળક મુહમ્મદ હસનેન કોરોનાની ઝપેટમાં આવતા સારવાર માટે વડોદરા ખાતે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. 6 માસના આ કોરોનાગ્રસ્ત બાળકને જોઈ સારવાર કરનાર તબીબો પણ લાગણીશીલ થઈ ગયા હતા.
વડોદરાની ગોત્રી હોસ્પિટલના તબીબોએ બાળકને થોડાક દિવસમાં કોરોના મુક્ત કરી ફરી તેનો કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપી હતી. રવિવારે સાંજના સુમારે એમ્બ્યુલન્સ દ્વારા આ બાળક તેની માતા સાથે હાલોલ પહોંચતા તેનું પુષ્પવર્ષા અને તાળીઓના ગડગડાટ વચ્ચે ભવ્ય સ્વાગત કરાયું હતું. જેમાં પરિવારજનો, આરોગ્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સોમવારે એક સાથે ગોધરા સિવિલમાંથી 16 લોકોને સાજા કરી હોમ ક્વોરેન્ટાઇન તેમજ અમુકને સરકારી મકાનમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ હાલોલના 6 માસના બાળક સહિત 17 લોકોને રજા આપવામાં આવી છે.