શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષબંધન અને બળેવ નો પવિત્ર તહેવાર. આ દિવસે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે. બ્રાહ્મણ બંધુઓ પણ આ જ દિવસે પોતાની યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલે છે. યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ સમૂહમાં કરવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગોધરા એકમ દ્વારા આજે શહેરના પ્રભાકુંજ સોસાયટીમાં આવેલી ચીમનલાલ શાહ શાળાના હોલમાં યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
સૌ પ્રથમ રાષ્ટ્રગાન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 65 ઉપરાંત બ્રહ્મ બંધુઓએ સામુહિક વેદ મંત્રોચ્ચાર કરી, વિશ્વ કલ્યાણની ભાવના સાથે સમગ્ર દેવી દેવતા,ઋષિ મુનિ ઓની પૂજા અર્ચના કરી પવિત્ર યજ્ઞોપવિત ધારણ કરી હતી.આ કાર્યક્રમમાં મોટાથી માંડી બાળકોએ પણ હાજર રહી યજ્ઞોપવિત બદલી હતી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં, જ્યાં તેઓએ તમામને બળેવની શુભેચ્છાઓ પાઠવી હતી, યજ્ઞોપવિત પરિવર્તિત ના આ કાર્યક્રમ બાદ એકમ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરાયુ હતું.