કચ્છ : પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના ચિત્રોડ અને કાનમેર વિસ્તારના 19 મંદિરમાં અલગ અલગ દિવસે સામૂહિક ચોરી અને લૂંટનો બનાવ બન્યો હતો. આ મામલે રાજસ્થાનની કુખ્યાત ગરાસીયા ગેંગને પૂર્વ કચ્છ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી છે. આ ગેંગ પાસેથી ચોરીનો માલ ખરીદનાર અમદાવાદના સોની સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપીઓ હજી ફરાર છે.
મંદિરોમાં ચોરીના બનાવ : પૂર્વ કચ્છના SP સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું કે, 6 નવેમ્બરની મધરાત્રે આ ટોળકીએ રાપર તાલુકાના ચિત્રોડ અને નજીકની જેઠાસરી વાંઢમાં એક સાથે 11 મંદિર અને દેરીઓમાં ત્રાટકીને 97,000 ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિકે જઈને મુલાકાત પણ કરી હતી. રેન્જ IG ચિરાગ કોરડીયાના માર્ગદર્શન મુજબ ભચાઉ DySP સાગર સાંબડાના નેતૃત્વમાં ખાસ તપાસ ટીમ SITની રચના કરવામાં આવી હતી.
ચિત્રોડ અને કાનમેરમાં સામૂહિક ચોરી : SIT ટીમ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI એન. એન. ચુડાસમા, આડેસરના PI જે. એમ. વાળા તથા ગાગોદરના PI વી.એ. સેંગલ પણ તપાસમાં જોડાયા હતા. વાગડ વિસ્તારના ચિત્રોડના મંદિરોમાં ચોરી થયાના 6 દિવસ બાદ ફરી આ જ ગેંગે 11 નવેમ્બરની મધરાત્રે કાનમેરના 8 મંદિરોમાં ત્રાટકીને 12000 રોકડા સહિત કુલ 1.61 લાખ મુદ્દામાલની ચોરી કરી હતી. ઉપરાંત ગામના જૈન મંદિરના પૂજારીને માર મારીને પણ લૂંટ ચલાવી હતી.
રાજસ્થાનની કુખ્યાત ગરાસીયા ગેંગ : ઉલ્લેખનીય છે કે, બીજી વખતના કાનમેરમાં સામૂહિક ચોરી દરમિયાન ગેંગના અમુક લોકો ઝડપાઈ ગયાં હતાં. ત્યારબાદ સઘન તપાસ હાથ ધરતા આ ગેંગ રાજસ્થાનની ગરાસીયા ગેંગ હોવાનું ખુલ્યું હતું. SIT દ્વારા રાજસ્થાનના ઉદયપુર અને શિરોહીના જંગલ વિસ્તારમાં સ્થાનિક પોલીસની મદદથી રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરીને ઓપરેશન હાથ ધરીને અન્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
મંદિરમાં કોતરણીકામ કરતા કારીગરો : તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ ગેંગમાં સામેલ લોકો મંદિરમાં પથ્થરોનું કોતરણીકામ કરતા કારીગરો છે. તેઓ દિવસે પથ્થરોની કોતરણી કરતા અને રાત પડતા આસપાસના અન્ય મંદિરોમાં ચોરી કરવા નીકળતા. ચોરી કર્યા બાદ કેટલાક આરોપી રાજસ્થાન નાસી ગયા હતા.આ ગેંગે અગાઉ કચ્છમાં પણ ચોરી કરી છે અને કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ તથા મંદિરોને તેઓ સારી રીતે જાણતા હતા.
અમદાવાદના સોનીની સંડોવણી ખુલી : વાગડ વિસ્તારમાં ચોરી થયાના ગણતરીના દિવસોમાં પોલીસે આ ગરાસીયા ગેંગને દબોચી લેતા મોટાભાગનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે. પોલીસે કુલ 3.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરીનો કેટલોક માલ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા અને મૂળ રાજસ્થાનના શિરોહીના સોની સુરેશકુમાર શાંતિલાલ સોની ખરીદતો હતો. આ કેસમાં પોલીસે તેની પણ ધરપકડ કરીને ચોરીનો કેટલોક મુદ્દામાલ રીકવર કર્યો છે.
કુલ 8 ચોરીના ગુનાનો ભેદ ખુલ્યો : ઉલ્લેખનીય છે કે, ગેંગની કબૂલાતના આધારે કચ્છના વાગડના બે અને નખત્રાણાના વડવા ભોપામાં થયેલી એક મંદિર ચોરી ઉપરાંત બનાસકાંઠાના ભાભર, થરા, રાધનપુર, દિયોદર અને ડીસામાં કરેલી અન્ય ચોરીઓ મળી કુલ 8 ગુના પણ પોલીસે ઉકેલી કાઢ્યા છે.
6 આરોપી ઝડપાયા, 2 આરોપી ફરાર : પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડેલા ગેંગમાં કમલેશ અનારામ ગરાસીયા, રમેશ- બાબુરામ ગરાસીયા, જીતેન્દ્ર સુનારામ ગરાસીયા, સુરેશ શંકર ઉર્ફે ડાકુ ગરાસીયા, જયરામ ઉર્ફે જેનીયા નોનારામ ગરાસીયા અને સુરેશ શાંતિલાલ સોનીનો સમાવેશ થાય છે. આ ચોરીના ગુનામાં સામેલ મેઘલારામ ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા અને રમેશ વાલારામ ગરાસીયા નામના બે આરોપી હજુ પોલીસની પકડથી દૂર છે.
41 ઝાંબાજ પોલીસકર્મીઓ ટીમ : ગરાસીયા ગેંગના ઝડપાયેલા તમામ ચોર આરોપીઓ રીઢા છે અને તેમના પર અગાઉ રાજસ્થાનના વિવિધ મંદિરો સહિતના સ્થળોમાં ચોરીના-સંખ્યાબંધ ગુના દાખલ થયેલ છે. લોકોની ધાર્મિક લાગણી દુભાવે તેવા આ બનાવને ઉકેલવામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 41 પોલીસ કર્મચારી અધિકારીઓની ટીમ છેલ્લા 8 દિવસથી તપાસ કરી રહી હતી. પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.