હાલોલ શહેરના ગોધરા રોડ ખાતે અંબિકા દર્શન પાછળ આવેલ મંગલ મૂર્તિ સોસાયટીમાં ગત રાત્રીએ તસ્કરો ત્રાટકયા હતા. જેમાં મંગલ મૂર્તિ બંગલાના મકાન નંબર 51માં રહેતા અને મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઠાના બાલોત્રરાના શિવ કોલોનીના વતની હિતેશ ઝવેરીલાલ જાગીરદાસ ઉ. વર્ષ 33 ગત રાત્રીએ જમી પરવારી પોતાના મકાનના ઉપરના માળે રાત્રીના 11-30કલાકની આસપાસ પરિવાર સહિત સુવા ચાલ્યા ગયા હતા. જે બાદ વહેલી સવારે 6 વાગ્યે તેઓ ઉઠી નીચે બેડરૂમમાં આવ્યા હતા.
જ્યાં બેડરૂમમાં જોતા બેડરૂમનો તમામ સમાન અસ્તવ્યસ્ત પડેલો હતો અને બેડરૂમની બારીના સળિયા તૂટેલી હાલતમાં ખુલેલા પડેલા હતા. તેમજ બેડરૂમમાં મુકેલી લોખંડની બન્ને તીજોરીઓ તૂટેલી હાલતમાં ખુલ્લી પડી અને તિજોરીઓના નાના ડ્રોવરો બહાર ખેંચાયલ હાલતમાં હતા. આ જોઈ હિતેશભાઈ હેતબાઈ ગયા હતા અને તિજોરીઓમાં જોતા તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ગાયબ હતી. જે બાદ તાત્કાલિક હાલોલ પોલીસને જાણ કરાતા હાલોલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને જેમાં પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી તાપસ ધમધમાવી હતી. જે બાદ ચોરી થયેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ગણતરી કરતા કુલ 4,57,000ની માલમત્તાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું.
આ કાળઝાળ ગરમીની સીઝનમાં પણ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા આસપાસના વિસ્તારોની સોસાયટીઓમાં પણ ડરનો માહોલ છવાઈ ગયો હતો.જે ચોરી કરવા બંગલામાં ઘુસેલ તસ્કરો સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત પરિવારજનોના રોજીંદા પહેરવાના કપડાં પણ ઉઠાવી ગયા હતા.