- શાળાના અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મળી 10 લોકો શંકાસ્પદ
- શાળામાં કોરોનાના કેસો આવતા અન્ય શિક્ષકોમાં ગભરાટ
- જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકો સાથે બેઠક કરી કોરોના SOPનું પાલન કરવા સમજાવ્યા
નવસારી: જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં-થતાં, ફરી કોરોના વેગ પકડી રહ્યો છે. જિલ્લામાં ધોરણ-6 થી 12 સુધીના વર્ગો વાલીઓની સંમતિથી શરૂ થયા છે. જેમાં આશ્રમ શાળાના 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને 5થી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા શાળાઓ બંધ થઈ હતી. દરમિયાન શનિવારે નવસારી શહેરની કોન્વેન્ટ સ્કૂલમાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં એક મહિલા શિક્ષિકા અને એક શિક્ષક કોરોના પોઝિટિવ આવતા શાળાના શિક્ષકોમાં ગભરાટ ફેલાયો છે.
આ પણ વાંચો: જામનગર: શાળાઓ ખુલ્યાના બીજા જ દિવસે વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
શાળાના શિક્ષકોએ રેપીડ ટેસ્ટ કરાવવાની કરી માંગ
શાળામાં 50 શિક્ષકો છે, જેમાંથી અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને 10 લોકો શંકાસ્પદ જણાતા હોમ કોરોન્ટાઇન કરાયા છે. જેની સાથે જ જિલ્લા શિક્ષણ વિભાગ સતર્ક થયું છે. આજે સવારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ કોન્વેન્ટ સ્કૂલની મુલાકાત કરી હતી. જેમાં શાળાના શિક્ષકોમાં કોરોનાને લઈને ગભરાટ જોતા શિક્ષણાધિકારીએ તેમને કોરોના ગાઈડલાઈનું ચુસ્તતાથી પાલન કરવાની સૂચના આપી હતી, સાથે જ સમગ્ર શાળાને સેનિટાઇઝ કરાવવાના આદેશ આપ્યા હતા. જ્યારે શાળાના શિક્ષકોના રેપીડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરત શહેરમાં ભૂલકા ભવન સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
શાળામાં ઘણાં શિક્ષકો મોઢે માસ્ક ન પહેરવાની લે છે છૂટ...!
નવસારી જિલ્લામાં તબક્કાવાર શરૂ થયેલી શાળામાં વાલીઓની સંમતિથી વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણમાં જોડાયા છે. ધોરણ-6 થી 12 સુધીના વર્ગો શરૂ થતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ કોરોના કાળ હોવા છતાં અને કોરોના ગાઈડલાઈના પાલનની શિક્ષણ વિભાગની સ્પષ્ટ સૂચના હોવા છતાં શાળાઓમાં અભ્યાસ કરાવતી વખતે ઘણાં શિક્ષકો મોઢે માસ્ક પહેરતા ન હોવાની ફરિયાદો પણ સામે આવી છે. જેને કારણે વર્ગના ઘણા વિદ્યાર્થીઓ પણ માસ્ક ઉતારીને અભ્યાસ કરે છે. જેથી શિક્ષકો કોરોનાને ગંભીરતાથી લઈ ગાઈડલાઈનનું પાલન કરે એવા આદેશો પણ શિક્ષણાધિકારીએ આપ્યા હતા.