નવસારી: ગણદેવીના ધનોરી ગામે ખેતરમાં ચારો ચરી રહેલી બે દુધાળુ ભેંસો આજે શનિવારે બપોરે જીવંત વીજ તારના સંપર્કમાં આવતા જોરદાર કરંટ લાગતા તેમના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. ભેંસોના મોતથી પશુ પાલકને અંદાજે 1.60 લાખ રૂપિયાનું નુકશાન આંકવામાં આવ્યુ હતુ. બીજી તરફ વીજ કંપનીની પ્રિ-મોનસુન કામગીરી પર લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે.
ગણદેવી તાલુકાના પૂર્વ પટ્ટીના ધનોરી ગામે દેસાઇ ફળિયામાં રહેતા પશુપાલક ભરત નારણભાઇ આહિર (39) આજે શનિવારે બપોરે ગામના એંધલ નાકાના વાડી વિસ્તારમાં પશુઓને ચારો ચરાવવા નીકળ્યા હતા. દરમિયાન ગણદેવી વીજ કચેરીથી ચાંગા-ધનોરી, ખાપરીયા, પીપલધરા, મટવાડ જેવા ગામોમાં ખેતીમાં અપાતી વીજળીની ધનોરી ફીડરની એલટી વીજ લાઈન ઉપર એક વૃક્ષની ડાળ પડી હતી. જેને કારણે વીજ લાઈનના જીવંત તાર તૂટી પડ્યા હતા. આ સમયે ચારો ચરતા ભરતના પશુઓ જીવંત વીજ તારો તરફ ગયા હતા, જેમાં બે દુધાળુ ભેંસો જીવંત તારના સંપર્કમાં આવતા ફસડાઈ પડી હતી.
ભેંસોને કરંટ લાગતા મોઢે ફીણ આવવા સાથે જ બંનેના તરફડિયા મારી ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. અચાનક ઘટેલી ઘટનામાં ગણતરીની મિનિટોમાં જ આંખ સામે ભેંસોના મોત થતા પશુપાલક ભરત હેબતાઈ ગયો હતો. બાદમાં હિંમત ભેગી કરી તેણે બુમો પાડતા આસ-પાસથી ગ્રામીણો મદદે દોડી આવ્યા હતા. જેમણે મૃત ભેંસોને જોયા બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગણદેવી ડીવીઝન કચેરીને જાણ કરતા નાયબ કાર્યપાલક ઇજનેર ભરતભાઈ પટેલ અને તેમની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી.
વીજ કર્મીઓએ વીજ પુરવઠો બંધ કરી, એલટી લાઈનનુ સમારકામ આરંભ્યુ હતુ. જયારે સમગ્ર મુદ્દે ગણદેવી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જયારે પશુપાલક ભરત આહિરે જણાવ્યું કે, એક ભેંશ દૂધ આપતી હતી અને બીજી ગાભણ હતી. જેને કારણે તેને અંદાજે 1.60 લાખ રૂપિયાનુ નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસું નજીક છે, ત્યારે વીજ કંપનીઓ દ્વારા પ્રિ-મોનસુન કામગીરીમાં વિલંબ થવાને કારણે ધનોરીમાં વીજ લાઈન નજીકના ઝાડની ડાળી તુટતા કોરોનાના કપરા કાળમાં પશુપાલકે પોતાની 2 ભેંસો ગુમાવવાનો વારો આવ્યો હતો. જેથી વીજ કંપની પ્રિ-મોનસુન કામગીરી વહેલી પૂર્ણ કરે એવી ગ્રામીણોમાં માંગ ઉઠવા પામી છે.