નવસારીઃ કોરોના કાળમાં લોકોની આર્થિક સ્થિતિ તંગ બની છે, ત્યારે આંગડિયા પેઢી મારફતે 88 લાખ રૂપિયા વગર કોઈ દસ્તાવેજી પુરાવા વિના સુરત લઈ જઈ રહેલા નાશીકના આંગડિયા પેઢીના બે કર્મચારીઓ અને કાર ચાલક સહિત ત્રણની ધરપકડ કરાઇ હતી. સાથે જ આ મુદ્દે પોલીસે આવકવેરા વિભાગની તપાસ સમિતિને પણ જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે.
![arrested with Rs 88 lakh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-rupiya-pakdaya-rtu-gj10031_27072020190816_2707f_02693_588.jpg)
નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના ગણદેવી તાલુકાના એંધલ ગામ નજીકથી ગણદેવી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક કારમાંથી લાખો રૂપિયા ભરેલી બે બેગ સાથે ત્રણ લોકોની અટકાયત કરી હતી. લાખો રૂપિયા સાથે ઝડપાયેલા ત્રણમાંથી બે મહારાષ્ટ્રના નાસિકના કીર્તિકુમાર અંબાલાલ આંગડિયા પેઢીના કર્મચારી અને એક કાર ચાલક છે. આંગડિયા કર્મીઓની પૂછપરછમાં લાખો રૂપિયાના કોઈ પુરાવા તેઓ આપી શક્યા ન હતા.
![arrested with Rs 88 lakh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-rupiya-pakdaya-rtu-gj10031_27072020190821_2707f_02693_780.jpg)
ગણદેવી મામલતદાર અને ગણદેવી એસબીઆઈ બેંકના કર્મીઓને સાથે રાખી પોલીસે ઝડપાયેલા લાખો રૂપિયાની ગણતરી કરતા ભારતીય ચલણની અલગ-અલગ દરની ચલણી નોટો મળી કુલ 88 લાખ રૂપિયા હતા. જેથી પોલીસે આંગડિયા પેઢીના કર્મી અને મહેસાણાના કંથારવી ગામે રહેતા વિપુલ પટેલ અને જયેશ પટેલ તેમજ કાર ચાલક મિલિંદ યશવંતેની ધરપકડ કરી હતી.
![arrested with Rs 88 lakh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-rupiya-pakdaya-rtu-gj10031_27072020190821_2707f_02693_518.jpg)
આરોપીઓની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પુરાવા વિનાના લાખો રૂપિયા નાસિકના કરંજાના શૈલેષ પટેલે મોકલાવ્યા હતા અને તેને સુરતના અમરેલીના છાપરા-ભાઠા ગામના બાબુ ઉર્ફે બાવા વાઢેરને ફોન કરી કામરેજ ખાતે પહોંચાડવાના હતા.
પોલીસે રોકડા રૂપિયા સહિત ત્રણ મોબાઈલ ફોન અને 5 લાખ રૂપિયાની કાર મળી કુલ 93.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે સમગ્ર મુદ્દે પોલીસે આવક વેરા વિભાગની તપાસ સમિતિને પણ જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે.