નવસારીમાં બોગસ પ્રમાણપત્રો બનાવવાનું કૌભાંડ ઝડપાયું
- ITI અને ડીપ્લોમા એન્જીનિયરીંગના બોગસ પ્રમાણપત્રો બનાવવામાં આવી રહ્યા હતાં
- પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
- પોલીસે ઘટના સ્થળેથી 1.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબ્જે
નવસારીઃ ભણ્યા વગર જ ડીગ્રી મેળવી નોકરી મેળવવાની ઘણા લોકોની લાલચનો કેટલાક લોકો ફાયદો ઉઠાવી રૂપિયા કમાઈ લેતા હોય છે. આજ પ્રકારે નવસારીના તરોટા બજાર સ્થિત ટ્વિન્કલ ગ્રાફિક્સના વિનોદ અંબુ પટેલે ડીપ્લોમાં એન્જીનિયરીંગ અને સુરત, બીલીમોરા, અંકલેશ્વરની ITIના બોગસ પ્રમાણપત્રો બનાવી આપી રૂપિયા કમાવવાનો સરળ રસ્તો શોધ્યો હતો.
જો કે, વિનોદની કાળી કરતૂતની ગંધ નવસારી SOG પોલીસને આવી ગઈ અને પોલીસે ટ્વિન્કલ ગ્રાફિક્સમાં છાપો મારી બોગસ પ્રમાણપત્રો બનાવવાના કૌભાંડને ઝડપી પાડ્યું હતુ. જ્યાં બાયોડેટા સાથે જ અનુભવના ખોટા સર્ટીફીકેટ બનાવવા આવેલા જલાલપોરના મંદિર ગામનાં મુનાફ ટોચીવાળા અને ફકીર ભીમલા પણ પોલીસને હાથે ઝડપાઈ ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિનોદ પટેલ ડીપ્લોમાં એન્જીનિયરીંગ અને ITIના ડુપ્લીકેટ (બોગસ) પ્રમાણપત્રો બનાવી આપવામાં મહારથ ધરાવે છે. જેની પાસેથી ગ્રાફિક્સ અને બોગસ સિક્કાઓનો ઉપયોગ કરી બનાવેલા 50 જેટલા બોગસ પ્રમાણપત્રો તેમજ વિવિધ આઈટીઆઈના સિક્કાઓ મળી આવ્યા હતા.
જ્યારે વિનોદના કોમ્પ્યુટરમાંથી પણ મોટી સંખ્યામાં પ્રમાણપત્રોની સોફ્ટ કોપી મળી આવી હતી. જેથી પોલીસે આરોપી વિનોદ તેમજ બોગસ અનુભવ પ્રમાણપત્ર બનાવવા આવેલા મુનાફ અને ફકીરની ધરપકડ કરી હતી.
જ્યારે ઘટના સ્થળેથી ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, સ્કેનર, પ્રમાણપત્રો બનાવવાના કાગળો તેમજ મોબાઈલ ફોન મળી 1.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમજ ITIના સિક્કાઓ બનાવનારા તેમજ બોગસ પ્રમાણપત્રો બનાવનારાઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.