નવસારી: બીલીમોરા નગરપાલિકાના પૂર્વ સભ્ય મનીષ દેસાઈએ બીલીમોરા પાલિકાના શાસકો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ગાંધીનગર સ્થિત વિજિલન્સ કમિશનર કચેરીમાં કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બીલીમોરા શહેરમાં વિકાસના કામો પાલિકાની વિભિન્ન સમિતિઓ કરતી હોય છે, પરંતુ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયા અને ટેન્ડર મંજૂર કરવાની સત્તા કારોબારી સમિતિ પાસે હોય છે. ગત ૧૩ જુલાઇના રોજ પાલિકાની બાંધકામ સમિતિની બેઠકમાં 1થી 6 કામો માનીતા એવા મરોલીના કોન્ટ્રાક્ટર જે.એમ.શાહને 22.5થી 25.20 ટકા ઊંચા ભાવે 1 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
પાલિકાની વોટર વર્કસ સમિતિએ પણ ગત ૧૫ મેના રોજ કોન્ટ્રાકટરને બોલાવીને 63 લાખના ટેન્ડર મંજૂર કર્યાં હતા. આ સાથે જ એજ દિવસે તેનો વર્ક ઓર્ડર આપવાનો ઠરાવ પણ કરી દેવામાં આવ્યો હતો. આ પ્રમાણે શહેરની પાણી યોજના માટે આંતલિયા ખાતે 2 કરોડ રૂપિયાના ખર્ચે ટાંકી બનાવવાના કામનુ ટેન્ડર પણ ગત 4 સપ્ટેમ્બરના રોજ મળેલી બેઠકમાં મંજૂર કરી દેવામાં આવ્યું હતું. જેમાં 4.42 ટકાનો ભાવ વધારો ફક્ત બતાવવા પુરતો બતાવી કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર પણ આપી દેવાયો હતો. જેમાં મહત્વની અને આશ્ચર્યની વાત એ હતી કે, કોન્ટ્રાક્ટરે એજ દિવસે અગાઉથી નક્કી થયું હતું એ પ્રમાણે 5.25 લાખ રૂપિયા ડિપોઝિટ પેટે ભરી પણ દીધા હતા અને કામ પણ ચાલુ કરી દીધું હતું. જેની વહીવટી કે તાંત્રિક મંજૂરી લેવાઈ નથી અને સામાન્ય સભામાં ઠરાવ પણ કરાયો નથી. જેમાં GUDC દ્વારા પાલિકાને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોઈપણ ટેન્ડરો મંજૂર કરવાની સત્તા માત્ર કારોબારી સમિતિને હોય છે. જેમાં પાલિકાની અન્ય કોઈ સમિતિઓને ટેન્ડર ખોલવાની, ભાવતાલ કરવાની કોઈ જ સત્તા નથી. તેમણે માત્ર જાણકારી લેવાની હોય છે. ફક્ત કારોબારી સમિતિને જરૂર જણાય, ત્યારે સંબંધિત એજન્સી સાથે નેગોશીએટ કરી શકે અને કોઈપણ કામના માત્ર 10 ટકા સુધીનો જ ભાવ વધારો પણ ચર્ચા વિચારણા કરીને આપી શકાય તેવી જોગવાઇઓ છે, પરંતુ પાલિકાની અન્ય સમિતિના પદાધિકારીઓ અને તેને સલંગ્ન અધિકારીઓએ ટેન્ડરમાં ગોબાચારી કરી હોવાના આક્ષેપો સાથે પાલિકાના પૂર્વ સભ્ય મનીષ દેસાઇએ જેતે સમિતિએ કરેલી ગેરરીતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે, એમાં જો કોઈ સભ્યોની સંડોવણી નીકળે, તો તેમને સભ્યપદેથી દૂર કરવા અને ફરીથી પ્રક્રિયા કરવાની માગ કરી હતી. જેને ધ્યાનમાં રાખી ગાંધીનગરની વિજિલન્સ ટીમ બુધવારે બીલીમોરા પાલિકા કચેરીએ પહોંચી હતી. જેની સાથે સુરત પ્રાદેશિક નિયામક કચેરીના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારની તપાસમાં જોડાયા છે. વિજિલન્સ તપાસનો ધમધમાટ જોતા પાલિકામાં જવાબદાર અધિકારીઓ ચેરમેનો અને સભ્યોમાં સોપો પડી ગયો છે.