નવસારી : જિલ્લાના ગણદેવી તાલુકો વાઈલ્ડ રેન્જમાં આવે છે અને અહીં હિંસક દીપડાથી લઇ ઝેરીલા સરી સૃપો પણ મળી આવતા હોય છે. 28 માર્ચે ગણદેવી તાલુકાના અંભેટા ગામે આવેલા ભવાની ફળિયાના ખેતરમાં ખેડૂત ભીખુ પટેલના ખેતરમાં પાઈપમાં અજગર જોવા મળ્યો હતો. જેણે અંદાજિત બે-બે ફૂટ લાંબા 28 જેટલા અજગરના બચ્ચાને જન્મ્યો હતો. જેને લોકોએ જોતા લોકોમાં ભારે કુતુહૂલ સર્જાયું હતું.
ખેડૂતે આ અંગે ગણદેવીની વાઈલ્ડ લાઈફ વેલફેર સંસ્થાના હેમિલ મહેતાને જાણ કરી હતી, ત્યારે હેમિલ તેમજ ગણદેવી વન વિભાગના રાઉનફ ફોરેસ્ટર જે. બી. ટેલર ઘટના સ્થળે પહોંચ્યા હતા,ત્યારે માદા અજગર તેના ઈંડાને સેવી રહી હતી.એટલે તેમણે ખેડૂતને અજગર અને ઈંડાને બચાવવા માટે સમજાવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, લગભગ અઢી મહિના બાદ ઈંડાનું સેવન અને સંભાળ રાખી રહેલી માદા અજગર પાઇપમાંથી બહાર આવી હતી. આ માદા અજગરનું વજન આશરે 20થી 25 કિલો અને લંબાઈ આશરે 12 ફૂટ હતી. ઈંડામાંથી સંવનનો સમય પૂર્ણ થતાં રવિવાર અને સોમવાર દરમિયાન એક બાદ એક 28 બચ્ચા જન્મ્યા હતા. જેને વોલેન્ટીયરે બચાવી લીધા હતા.
ગણદેવીના અંભેટા ગામે જન્મેલા 28 અજગરના બચ્ચાઓ રોક પાઈથોન પ્રજાતિના છે. 2 થી અઢી ફુટના આ અજગરના બચ્ચાઓ શિડયુલ 1 માં આવતા હોવાથી તેની સુરક્ષાની તકેદારી રાખવી જરૂરી હોવાથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના પ્રમાણે જંગલ વિસ્તારમાં, તેના સંવર્ધનની ખાતરી કર્યા બાદ છોડવામાં આવ્યા હતા.