- આદિવાસી વિસ્તારમાં PHC, CHCમાં પૂરતા પ્રમાણમાં આરોગ્ય સેવાનો અભાવ
- કોરોના સંક્રમણ વધવા સાથે ગામડાઓમાં મૃત્યુદર પણ વધ્યો
- ખેરગામમાં કોરોનાને લગતી દવાઓ પણ મળવી થઈ મુશ્કેલ
નવસારી : જિલ્લામાં કોરોનાની બીજી લહેર કહેર વર્તાવી રહી છે. જિલ્લાના શહેરોની સાથે હવે ગામડાઓમાં પણ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ઘરે ઘરે જોવા મળી રહી છે. જેમાં આદિવાસી પંથકના ગામડાઓની સ્થિતિ વિકટ બની છે. અહીં કાચા મકાનોમાં સંયુક્ત પરિવાર રહેતો હોય છે અને પરિવારમાં 6થી 15 જેટલા સભ્યો પણ હોય છે, ત્યારે પરિવારના કોઈ સભ્યને કોરોના થાય તો અન્ય સભ્યો પણ સંક્રમિત થવાની સંભાવના વધી જાય છે.
એમ્બ્યુલન્સની પણ પુરતી વ્યવસ્થા ન હોવાની આગેવાનોની રાવ
હાલ ખેરગામ તાલુકાના કાકડવેરી, જામનપાડા, વડપાડા, તોરણવેરા, પાટી, પાણીખડક, નડગધરી જેવા ગામોમાં કોરોના પોઝિટિવ કેસ વધ્યાં છે. સાથે જ આ ગામડાઓમાં રોજના બેથી ત્રણ મૃત્યુ થતા હોવાનું સ્થાનિક આગેવાનો જણાવી રહ્યા છે, ત્યારે ખેરગામમાં વહેલી તકે કોરોના સંક્રમિતોને પરિવારથી અલગ રાખી શકાય એવા આઇસોલેશન સેન્ટરની તાતી જરૂરિયાત હોવાની માગ આગેવાનો કરી રહ્યા છે. સાથે જ તાલુકામાં એમ્બ્યુલન્સની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં મળે અને કોરોના ગાઈડલાઈનના પાલન સાથે અગ્નિદાહ આપી શકાય એવા સુવિધાયુક્ત સ્મશાન ગૃહની માંગણી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.
આ પણ વાંચો : નડીયાદ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગી કતાર, આજે વધુ 151 કેસો નોંધાયા
ખેરગામના PHC અને CHC પર પુરતી આરોગ્ય સેવા શરૂ કરવા માગ
ખેરગામ તાલુકામાં એપ્રિલ મહિનામા કોરોના કેસોમાં ધરખમ વધારો થયો છે. જેમાં તાલુકાના PHC અને CHC સેન્ટરો ઉપર કોરોના સારવાર અંગેની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે આદિવાસીઓએ વલસાડ કે નવસારી સિવિલ હોસ્પિટલ ઉપર આધાર રાખવો પડે છે. જોકે સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ જગ્યા ખાલી ન હોવાથી, લોકો મજબૂરીમાં હોમ આઇસોલેશન થઈ કોરોના સારવાર લઇ રહ્યા છે. પરંતુ ઓક્સિજનની સમસ્યા ઉભી થાય તો સ્થિતિ વિકટ બને છે. સાથે જ કોરોના સારવારમાં જરૂરી ફેબીફ્લુ દવા પણ મળતી નથી. જ્યારે ખેરગામ CHC માં ઓક્સિજન પાઇપ ફાટી ગયો છે, જેનું રિપેરિંગ પણ થતું ન હોવાના આક્ષેપ વિપક્ષ લગાવી રહ્યો છે.
આ પણ વાંચો : નવસારીમાં બુધવારે કોરોનાના નવા 140 કેસ નોંધાયા
ખેરગામમાં 50 બેડનું આઇસોલેશન સેન્ટર થશે શરૂ
ખેરગામ તાલુકામાં વધતા સંક્રમણને જોતા તાલુકા ભાજપના આગેવાનો પણ સક્રિય થયા છે. જેમાં ખેરગામ ખાતે 15 ઓક્સિજન બેડની વ્યવસ્થા સાથે 50 બેડના આઇસોલેશન સેન્ટરને શરૂ કરવાના પ્રયાસો આરંભાયા છે.
ગુજરાત સરકાર પાસે યોગ્ય આરોગ્ય સેવાની માગ
જિલ્લામાં જ્યાં કોરોના વકરી રહ્યો છે, ત્યાં છેવાડાના ગામો સુધી આરોગ્ય સેવા પહોંચે તે જરૂરી છે. છેવાડા અને આદિવાસી બહુલ ખેરગામ તાલુકો પણ ગુજરાતની સંવેદનશીલ સરકાર પાસે યોગ્ય આરોગ્ય સેવાની ઝંખના કરી રહ્યો છે.