કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને મોટા પાયે પાકોને નુકસાન થયું છે. જેમાં દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક અને ખેડૂતોની સધ્ધરતાનો આધાર ગણાતી શેરડીનું વાતાવરણના કારણે ઉત્પાદન ઓછું થયું છે. આ સાથે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ શેરડીના હારવેસ્ટિંગ સામે બ્રેક લગાવતા સુગરમિલોનું કામકાજ પાછળ ધકેલાયું છે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો પહેલા ડાંગરની ખેતી કરીને જીવનનિર્વાહ કરતા હતાં. પરંતુ, મોટા પ્રમાણમાં પાણીના સ્ત્રોતો મળી જતા શેરડીની ખેતી તરફ વળ્યાં શેરડીની ખેતી ખેડૂતો માટે લાભદાયક નિવડતા ખૂબ મોટા પ્રમાણમાં ખેતી થવા લાગી પણ છેલ્લા 5 વર્ષમાં કલાયમેટ ચેન્જની નજર ખેતીવાડી પર પડતા અહીં નુક્સાનીના વાદળો છવાતા રહ્યા છે. કમોસમી માવઠું ખેડૂતો માટે ખોટનો સોદા સમાન પુરવાર થઈ રહ્યું છે.