નવસારી: જલાલપોર તાલુકામાં આવેલ માંગરોળ ગામની પ્રાઈમ કોલેજ માં ડિપ્લોમા મિકેનિકલ 6 સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અને સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ મટીરીયલ યુઝ કરી વેસ્ટ માંથી બેસ્ટ સૌર ઉર્જા થી ચાલતી કાર બનાવવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ સ્ક્રેપમાંથી કારની ચેસીસ ગેલ્વેનાઈઝના પાઇપ ટાયર, સોકોપસર, સ્ટેરીંગ સિસ્ટમ, પાટા જેવા 50% થી વધુના સાધનો સ્ક્રેપમાંથી મેળવી આ સોલાર કાર વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે.
કારની ખાસિયત: વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના જણાવ્યા મુજબ કારને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પણ નડતા નથી અને પ્રદૂષણ પણ ઓછું થાય છે કારણકે આ કાર સૌર ઉર્જાથી ચાલે છે. કારમાં એક ડ્રાઇવર સહિત ત્રણ લોકો બેસી શકે છે. આ કારનું વજન 300kg છે જે 800 kg સુધીના વજન સાથે પણ ડ્રાઇવ કરી શકાય છે. 6 કલાકમાં સંપૂર્ણ રીતે ચાર્જ થયા બાદ આ કાર અઢી કલાક સુધી ચાલી શકે છે. મહત્તમ સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અંદાજિત તે 100કિમી સુધી દોડી શકે છે.
'આ કાર પર વિશેષ જો ધ્યાન આપવામાં આવે તો આવનાર સમયમાં લોકોને તેમજ પર્યાવરણને ખૂબ ઉપયોગી નીવડે તેમ છે. આ કારને બનાવવા માટે અમને અમારી કોલેજ દ્વારા પણ ઘણો સહયોગ મળ્યો છે.' -કાર બનાવનાર વિદ્યાર્થીઓ
માત્ર 60 હજારમાં તૈયાર થઇ છે કાર: આ કારની છત પર લગાવવામાં આવેલી 30 વોલ્ટની બે સોલાર પેનલને સન લાઈટ રેગ્યુલર મળવાથી પણ સોલાર દ્વારા બેટરી ચાર્જ થાય છે. જેનાથી કાર સતત ચાલી શકે છે. આ કારને બનાવવામાં 60,000 જેટલી લાગત આવી છે. કારમાં 4 લોકો બેસી શકે તેટલી સ્પેસ રાખવામાં આવી છે.
'હાલમાં પેટ્રોલ અને ડીઝલથી વાતાવરણ જે પ્રદૂષિત થઈ રહ્યું છે તેને અટકાવવા માટેનો અમારો આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી અને અમે સોલાર સિસ્ટમથી ચાલતી કાર બનાવવાની સફળતા મળી.' -ગૌરવ પટેલ, પ્રોફેસર
કેવી રીતે કામ કરે છે કાર: આ કારની બનાવટની વાત કરવામાં આવે તો સૂર્યના કિરણો જ્યારે સોલાર પેનલ પર પડે છે ત્યારે એનર્જી બેટરીમાં સ્ટોર થાય છે. ત્યારબાદ ચાર્જ કંટ્રોલરની મદદથી આ બેટરી ચાર્જ થાય છે. કેટલી બેટરી ચાર્જ થાય છે તેની માહિતી પણ ચાર્જ કંટ્રોલરમાં જોવા મળે છે. એમસીબી ઉપકરણ સાથે કંટ્રોલર ચાલુ થાય છે. ઊર્જા બેટરીમાં સંગ્રહિત થાય છે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે. યાંત્રિક ઉર્જા મોટરને આપે છે જે કારનો ભાર વહન કરે છે. આમ આ સોલાર કાર સ્ટાર્ટ થઈ પોતાની ગતિ પકડે છે.