નવસારીઃ જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન બીલીમોરાના સ્વયંભૂ સોમનાથ મહાદેવ મંદિરને શિવભક્તોના દર્શનાર્થે ખુલ્લુ રખાશે, પરંતુ અહીં શ્રાવણમાં લાખોની સંખ્યામાં આવતા ભક્તો અને બિલીમોરામાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈ બીલીમોરા પાલિકાએ મંદિર ખુલ્લુ રાખવા સામે વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરના દ્વાર ખખડાવ્યા છે.
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું અનોખું મહત્વ છે, ત્યારે કોરોના કાળમાં શ્રાવણ મહિનો ભક્તિ સાથે વિવાદ પણ લાવ્યો છે. શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર અને દક્ષિણ ગુજરાતના સોમનાથ મંદિરે શ્રાવણ માસ દરમિયાન સવારથી બપોર સુધી ભોળાનાથના દર્શન થઇ શકશે, પરંતુ મહાદેવના દર્શનને લઈ વિવાદ સર્જાયો છે અને એનું કારણ કોરોના છે.
નવસારીમાં સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે, સાથે બિલીમોરામાં પણ 22 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેથી બીલીમોરા નગરપાલિકાએ શહેરના તમામ મંદિરો સ્વૈચ્છિક બંધ રહે તે માટેની અપીલ કરી હતી. પરંતુ શહેરના પૌરાણિક સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર સોશિયલ ડિસ્ટનસિંગ, સેનેટાઇઝર મશીન તેમજ થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થા સાથે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેમાં મહાદેવના ફક્ત દર્શન જ થઈ શકશે, જળાભિષેક, પુષ્પ, બીલીપત્ર કે પ્રસાદ ચઢાવી શકાશે નહી.
મંદિર સંચાલકોએ હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસમાં ભોલેનાથના દર્શન પુણ્ય અને પાવનકારી હોય છે, તેવો પક્ષ રજૂ કરી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય કર્યો છે. નવસારીમાં સોમવારે કોરોનાના કેસની સંખ્યા 400ની નજીક પહોંચી છે અને બિલીમોરામાં પણ 22 કેસ છે જેમા 10 કેસ સોમનાથ મંદિરની આસપાસ જ છે. જેથી શ્રાવણમાં લાખોની સંખ્યામાં લોકો સોમનાથના દર્શને આવતા હોય છે, ત્યારે ભીડ થવા સાથે જ અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ બીલીમોરા પાલિકા દર્શાવી રહી છે.
શ્રાવણમાં મંદિર બંધ રહે એવી માગ સાથે જ બીલીમોરા પાલિકાના સત્તાધીશોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે, જેથી સોમનાથ મહાદેવના દર્શનને લઈ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
જિલ્લામાં કોરોનાના વધી રહેલા સંક્રમણને અટકાવવુ તંત્ર માટે પડકાર છે. જેની સામે ધાર્મિક તહેવારોમાં ભગવાનમાં આસ્થાને પણ જાળવવી મહત્વની છે. ત્યારે કોરોનાને વકારતો રોકવા તંત્ર યોગ્ય નિર્ણય કરવામાં સફળ થાય છે કે કેમ, એ જોવું રહ્યું.