- ગણદેવીમાં ભાજપીઓથી નારાજ લોકોએ રચ્યો ત્રીજો મોર્ચો
- ભાજપી શાસકો સામે લાખોના ભ્રષ્ટાચાર અને અણઆવડતના લાગ્યા આક્ષેપો
- વિપક્ષ તરીકે કોંગ્રેસ નબળી હોવાના આક્ષેપો
નવસારી: ગણદેવી નગર પાલિકાની ચૂંટણીનું રણશિંગુ વાગી ચૂક્યું છે અને ભાજપ-કોંગ્રેસે સત્તા મેળવવાની આશા સાથે મતદારોને રિઝવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે ભાજપના સમર્થકો જ ભાજપથી નારાજ થઈને અલગ દાવ રચ્યો છે. ગણદેવીના પૂર્વ ભાજપી સાશકોએ વિતેલા 5 વર્ષોમાં ગણદેવીમાં કેવો અને કેટલો વિકાસ કર્યો એના લેખા-જોખા માટે ETV ભારત દ્વારા પાંચ વર્ષનું પંચનામું કરવામાં આવ્યું છે.
ભાજપથી નારાજ લોકોનો 'ગણદેવી નાગરિક મંચ' થકી ટક્કર આપવાનો નિર્ધાર
ગણદેવી ગ્રામ પંચાયતમાંથી વર્ષ 2006માં અસ્તિત્વમાં આવેલી ગણદેવી નગર પાલિકાએ 15 વર્ષ પૂર્ણ કર્યા છે. જેમાં પ્રથમ 5 વર્ષ રાજકીય પક્ષો પણ અપક્ષ તરીકે લડ્યા હતા અને પાલિકામાં અપક્ષનું સાશન સ્થપાયું હતું. ત્યારબાદ ભાજપે બાજી મારીને 10 વર્ષોથી શાસન ધુરા સંભાળી છે. યોગ્ય આયોજનનાં અભાવે પાયાની સુવિધાઓ સાથે ઘણી યોજનાઓ શરૂ થઈ શકી નથી, તો ક્યાંક લાખો-કરોડો રૂપિયાનું પાણી થયુ હોવાના આક્ષેપો વિપક્ષ તેમજ ત્રીજો મોર્ચો લગાવી રહ્યો છે. જેથી શહેરના ભાજપ સમર્થક યુવાનોથી લઈને પ્રબુદ્ધ નાગરિકોએ ગણદેવી નાગરિક મંચ નામથી અલગ ચોકો રચીને ભાજપને સબક શિખવવાનો નિર્ધાર કર્યો છે.
2 બેઠકો પરથી 8 બેઠકો મેળવી મજબૂત બનેલી કોંગ્રેસ વિપક્ષ તરીકે નબળી
ગણદેવી નગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ ચુંટણી ભણપ-કોંગ્રેસનાં આગેવાનોએ પણ અપક્ષ ઉમેદવારી કરી જીતી હતી. બાદમાં ભાજપે સાશન મેળવ્યુ હતું, જોકે કોંગ્રેસ અપક્ષ લડી હતી. જેમાં કોંગ્રેસને ફાળે બે બેઠકો આવી હતી. પરંતુ ગત ચૂંટણીમાં કોંગ્રેસે પહેલી વખત પક્ષનાં નામે ચૂંટણી લડી અને ફાયદો થયો. જ્યાં કોંગ્રેસને ફાળે બે બેઠકો હતી, ત્યાં આઠ બેઠકો આવતા વિપક્ષ મજબૂત બન્યો હતો. જોકે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ કેટલો દમ બતાવી શકે છે, એ જોવું રહ્યું.
ગણદેવી નગર પાલિકાની આંકડાકીય માહિતી
વોર્ડ | બેઠકો | કુલ વસ્તી | કુલ મતદારો |
06 | 24 | 16,826 | 13,026 |
કરોડોના કામો કર્યા, પણ અધૂરા
ગણદેવી નગર પાલિકાનાં 10 કરોડનાં બજેટની સામે પાલિકાએ પાંચ વર્ષોમાં 16 કરોડનાં કામો પૂરા કર્યા છે. જ્યારે અંદાજે 12 કરોડના કામો હાલમાં ચાલી રહ્યા છે. પરંતુ સાશકોની અણઆવડતને કારણે કરોડોનાં કામો પુરા થઈ શક્યા નથી. તો કેટલીક યોજનાઓ અંતર્ગત લાવવામાં આવેલા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જ્યારે વડા તળાવનાં બ્યુટીફીકેશન પાછળ ખર્ચેલા કરોડો ક્યાં ગયા તેવા તીખા સવાલો વિપક્ષ સાથે નાગરિક મંચ પણ કરી રહ્યો છે. સાથે જ હાલમાં બનાવેલા ફાયર સ્ટેશનને કારણે પાલિકા પર 47 લાખ રૂપિયાનો બોજો પડ્યો છે.
કેટેગરી અનુસાર બેઠકોની વહેંચણી
ગણદેવી નગર પાલિકાના કુલ 6 વોર્ડ છે. જેમાં એક વોર્ડમાં 4 બેઠકો પ્રમાણે કુલ 24 બેઠકો પર ચુંટણી યોજાશે. જેમાંથી 12 બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ છે, જ્યારે કેટેગરી પ્રમાણે 1 અનુસૂચિત જાતિ, 6 અનુસૂચિત આદિજાતિ, 2 પછાત વર્ગ અને 8 બેઠકો સામાન્ય વર્ગ માટે ફળવાઈ છે.