નવસારીઃ ગણદેવીના ઉંડાચ ગામની વેલ્ડીંગના કારખાનામાંથી સોમવારે એક 8 ફૂટ લાંબો અજગર નિકળ્યો હતો. જે વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશનના સ્વયં સેવકો દ્વારા પકડીને વન વિભાગને સોંપાયો હતો.
ગણદેવી તાલુકાની કાવેરી નદીના પુલની પાસે, ઉંડાચ ગામે આવેલા વેલ્ડીંગના કારખાનાને ખોલતા જ મોટો અજગર જોવા મળતા કારખાનેદાર સહિત કારીગરોમાં ભય ફેલાયો હતો.

જેથી કારખાનેદારે તાત્કાલિક નવસારીના વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશનના સ્વયં સેવક હિમલ મેહતાને જાણ કરી હતી, તેમણે સંસ્થાના સ્વયં સેવકોને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
જ્યાં કારખાનામાં તેમણે પાઇથોન પ્રજાતિના બિનઝેરી અજગર હોવાની પુષ્ટિ કરી હતી. બાદમાં સ્વયં સેવકોએ મહામહેનતે બાદ અજગરને ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં રેસ્ક્યૂ કરાયેલો અજગર 8 ફૂટ લાંબો અને 12 કિલો વજન ધરાવતો હતો. જે નજીકમાં જ કાવેરી નદીમાંથી આવ્યો હોવાનું અનુમાન લગાવામાં આવી રરહ્યું હતું. જોકે રેસ્ક્યૂ કરાયેલા અજગરને ગણદેવી વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી.